________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૩ આહાહા...! આવો ઉપદેશ ! એટલે લોકો ક્રિયા ઉપર... વ્રત-ભક્તિ ઉપર ચડી ગયા. શુભભાવ તે ક્રિયા કયાં છે? નવમી રૈવેયકે ગયો છે અને જે ક્રિયા કરી છે તેવી તો અત્યારે એ જ કયાં? તેણે પંચ મહાવ્રત આદિ દ્વારા શુકલેશ્યા એટલી કરી કે એવા કષાયની મંદતાના ભાવ અત્યારે તો છે જ નહીં. છતાં એ પંચ મહાવ્રત આદિ દુઃખનું કારણ હતું.
મુનિવ્રત ધાર અનંત બાર, રૈવેયક ઉપજાય.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.” કહે છે કે આત્માના અનુભવ વિના તેને આનંદ ન મળ્યો, તેનો અર્થ એમ થયો કે-પંચ મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. એ દુઃખરૂપ પરિણામથી આત્માને કેમ ધર્મ થાય? મહાવ્રત તે સંવર છે અને અપવાસ તે નિર્જરા છે આ અજ્ઞાનીઓની માન્યતાના બધા ઉંધા ભણકારા છે.
શ્રોતા:- સાચો નિર્ણય થયો તે સમ્યગ્દર્શનનું નિયમરૂપ કારણ છે?
ઉત્તર- એ અપેક્ષાએ કારણ કહેવાય. એ કારણ અપેક્ષિત છે. તે પરિણામ પૂર્વે હતા એટલું જ. ખરેખર તો જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય તો ( વિકલ્પ ઉપરથી) લક્ષ છૂટી જાય છે.
અહીંયા તો કહે છે કે-અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો કર્તકર્મનો અભ્યાસ અર્થાત્ આત્મા દયા-દાનના પરિણામનો કરનારો અને વિકલ્પના કાર્યને કરે એવી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ થઈ ગયો છે. મિથ્યાદૃષ્ટિનો આવો અભ્યાસ છે.
સમાધિશતકમાં લખ્યું છે કે શરૂઆતમાં અંદરમાં જતાં કંટાળો લાગે, દુઃખ લાગે અને બહારમાં તેને સુખ લાગે છે. પૂજ્યપાદ સ્વામી દિગમ્બર સંત હતા. દિગમ્બર સંતો કેવળજ્ઞાનીના કેડાયત છે. કેવળજ્ઞાનને ઉભા રાખી ગજબ કામ કર્યા છે. આહાહા ! આવી વાત કયાંય છે નહીં. જે સંપ્રદાયમાં આ શાસ્ત્રો છે તેનેય આ તત્ત્વની ખબરું નથી.
આનંદસ્વરૂપ ભગવાન તેની જેને ખબર નથી એવા જીવો પોતાના આનંદ સ્વભાવની સાથે રાગની-વિકલ્પની એકતાબુદ્ધિ ઉત્પન્ન કરી અજ્ઞાનપણે કર્તાકર્મ માની રહ્યા છે. આ રાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા તે અજ્ઞાનપણે માની રહ્યા છે. શ્રીમના શાસ્ત્રોમાં આવે છે કે વિભાવનો તેણે અધ્યાસ કર્યો છે. પરંતુ વિભાવ તેનો છે નહીં. જન્મ મરણના અંત લાવવાના મારગડા સાધારણ ન હોય!
અહીં કહે છે... પ્રભુ તું સાંભળ! ભગવાન આનંદનો નાથ તેની સાથે આ વિકલ્પ ઉઠયો છે અને તે એકત્વબુદ્ધિના સંસ્કારથી એક માનીને અનુભવ્યો છે. પરંતુ વસ્તુપણે એક થયા નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. છે તો પોતે સચ્ચિદાનંદ પ્રભુ પરંતુ તેણે અજ્ઞાનપણાથી રાગની સાથે એકતાબુદ્ધિનો અભ્યાસ કર્યો છે. અજ્ઞાનથી (એકત્વબુદ્ધિ)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk