________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૪૯ યુક્ત પરિણમન મોક્ષનું કારણ છે. ભગવાન જ્ઞાનસ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે. પણ એ મુક્તસ્વભાવનું તદ્રુપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતાં બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે.
(૬–૯૯) (૪૨૦) કેટલાક કહે છે કે દેવ-ગુરુની ભક્તિ છે તે ધર્માનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ-ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે.
અહીં કહે છે કે સાક્ષાત્ ત્રિલોકના નાથને પકડો તોપણ એ રાગ છે અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિર્જરા અને મોક્ષ થતાં નથી. પરદ્રવ્યનો આશ્રય નિયમથી બંધનું કારણ છે, કદીય પરાશ્રયભાવ મોક્ષનું કારણ થઈ શકે નહિ.
અરે! રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને જીવે અનાદિથી ભવભ્રમણ કર્યું છે. આવી ભ્રમણા કરીકરીને એણે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણ્યું નહિ. રાગ ચાહે તો ગુણગુણીના ભેદનો સૂક્ષ્મ વિકલ્પ હો તોપણ તે આસ્રવ છે, બંધનું કારણ છે. (૬-૧૦૧)
(૪૨૧) ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મુકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તે અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી ! હવે તો ચેત.
જો, આ કેવળીના વિરહ ભુલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મુક્તા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પારિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે.
(૬-૧૦૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com