________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४०४
અધ્યાત્મ વૈભવ (૧૧૧૭) ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવ છે તેમને હિંસાદિના જેમ પરિણામ નથી તેમ અહિંસાદિ વ્રતના શુભરાગના પરિણામેય નથી. એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ હતા, એની વસ્તુમાં ન હતા. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતાં નીકળી ગયા અને વસ્તુ જેવી વીતરાગ હતી તેવી રહી ગઈ. સમજાણું કાંઈ? વીતરાગ એટલે વીત+રાગ-વીતી ગયો છે રાગ જેને તે વીતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે-રાગ વસ્તુનો –આત્માનો સ્વભાવ ન હતો તે નીકળી ગયો અને વીતરાગતા રહી ગઈ.
(૬-૧૧૫) (૧૧૧૮) ણમો અરિહંતાણં” એમ પાઠ છે ને? એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરિને હંત કહેતાં જેણે હણ્યા છે તે અરિહંત. પણ તેનો ખરો અર્થ એમ નથી. કર્મ ક્યાં વેરી છે? જડકર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ આપીને કરેલું કથન છે. જડ ઘાતકર્મ વેરી છે એમ નહિ પણ ભાવઘાતી કર્મ (વિકારી પરિણતિ) આત્માનો વેરી છે, અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાની વિકારી પરિણતિ વેરી હતી તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચનસારમાં વિકારને અનિષ્ટ કહ્યો છે. વિકાર અનિષ્ટ છે અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મોહ જીવની સ્વભાવગુણની પર્યાયના વેરી . બીજો (કર્મ) વેરી ક્યાં છે? જડ દ્રવ્ય કર્મ અને આત્મા ભલે એક પ્રદેશ હો, પણ કોઈ કોઈના કર્તા નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી (વ્યાપતા નથી). સૌ પોતપોતામાં જ પરિણમી રહ્યા છે.
(૬-૨૮૮) (૧૧૧૯) અહાહા...! ભગવાન આત્મા અકષાયસ્વભાવનો-શાંતરસનો પિંડ છે. ભક્તામર સ્તોત્રમાં આવે છે કે-ભગવાન! જેમ આપ પરમ શાંતરસે પરિણમ્યા છો તેમ આપનો દેહ પણ જાણે અકષાય શાંતિનું બિંબ હોય તેમ ઠરી ગયેલું જણાય છે. ભગવાન ! જાણે જગતમાં જેટલા શાંત-શાંત ભાવે પરિણમનારા પરમાણુઓ છે તે તમામ આપના ઔદારિક શરીરરૂપે પરિણમી ગયા છે. આપનું બિંબ આપની પરમ શાંત વીતરાગરસે પરિણમેલી પરિણતિને જાહેર કરે છે. ભક્તિમાં આવે છે ને કે- “ઉપશમર વરસે રે પ્રભુ તારા નયમાં;” અહાહા...! ભગવાનની પરિણતિ જાણે એકલી અકષાય શાંતરસનું –આનંદરસનું ઢીમ. જેમ બરફની પાટ શીતળ-શીતળ-શીણળ હોય છે તેમ ભગવાનની પરિણતિ એકલી શાંત-શાંત-શાંત હોય છે. આવી શાન્તિ ભેદજ્ઞાનકલા વડે પ્રગટ થાય છે. વસ્તુ તો પરમ શાન્તસ્વભાવી છે અને તે ભેદવિજ્ઞાન થતાં પ્રગટ થાય છે. આવી વાત છે.
(૬-૪૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com