________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૨
અધ્યાત્મ વૈભવ ચારિત્ર નથી એમ કહ્યું તો હવે શું કરવું? તો કહે છે ભગવાન ! સાંભળ, અંદર ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવસ્વરૂપ, નિત્યાનંદ-સહજાનંદસ્વભાવી મહાપ્રભુ પરમ પદાર્થ ત્રિકાળ વિદ્યમાન અસ્તિપણે વિરાજમાન છે, એનું શરણ લે; એ શરણ છે. અહાહા...! મુનિવરો જે પરિણતિ દ્વારા સ્વભાવની દષ્ટિ અને લીનતા-રમણતા કરે છે તે વીતરાગી પરિણતિને એકમાત્ર શરણ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જ છે પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, સહજાનંદ, અણકરાયેલ (-અકૃત્રિમ) સહજાન્મસ્વરૂપ અવિનાશી અનંતગુણધામ સદાય અંદર પડેલી છે એનો આશ્રય કરીને એમાં લીન થવું એ જ શરણ છે.
(૬-૭૯) (૧૨૧૩) ભગવાન કુંદકુંદાચાર્ય દિગંબર સંત મહા મુનિરાજ મુનિ કોને કહીએ, મુનિપણું શું ચીજ છે એની વાત કરે છે. કહે છે-પુણ્ય અને પાપના વિકલ્પને મટાડતાં નિષેધતાં જેમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદના રસનો જઘન્ય-થોડો સ્વાદ આવે એવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. કહ્યું છે ને કે
રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ.” તથા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ભગવાનનું (આત્માનું) આનંદરસના અનુભવથી યુક્ત જે પ્રચુર સ્વસંવેદન છે તે મુનિપણું છે. મુનિપણામાં પોતાની નિર્મળ પરિણતિને વસ્તુસ્વભાવનું શરણ (-આશ્રય) રહેલું છે. તથા એ નિર્મળ પર્યાય પણ શરણ છે.
પ્રશ્ન- એ બેય શરણ કેમ હોય?
ઉત્તર:- નિર્મળ પર્યાય ભગવાન આત્માનું શરણ ગ્રહણ કરે છે ને? તેથી આત્મા શરણ છે. તથા રાગ શરણ નથી એમ કહ્યું ત્યાં નિર્મળ પરિણતિનું શરણ છે એમ કહેવાય. વાસ્તવમાં તો પર્યાયને ધ્રુવ આત્મા જ શરણ છે. સમજાણું કાંઈ...?
(૬-૮૦ ) (૧૨૧૪) ભગવાન આત્મા શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. આવા અનંત ગુણોનો ધરનારો એક ચૈતન્ય મહાપ્રભુ એકનું જ મનન વા તે એકની જ એકાગ્રતા તે મુનિ છે. જુઓ, આ મુનિ અને આ મોક્ષમાર્ગ કહ્યો. પણ પંચમહાવ્રત પાળે અને નગ્ન રહે માટે મુનિ એમ નથી કહ્યું. સૂક્ષ્મ વાત છે ભાઈ ! એકલું ત્રિકાળ નિત્ય, નિરાવરણ, અખંડ, એક, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ જે નિજ પરમાત્મદ્રવ્ય તેનું મનન અર્થાત્ તેમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે મુનિ છે. આ મનનમાત્ર ભાવસ્વરૂપ મુનિની વ્યાખ્યા છે. તેને મુનિ કહીએ, શુદ્ધ કહીએ, પરમાર્થ કહીએ, કેવળી કહીએ વા સમય કહીએ એ બધું એક જ છે.
(૬-૮૯).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com