________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨. બંધ
(૮૬૧ )
બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય ) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસના-એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે. તે ભાવબંધ છે. સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબદ્ધ-સ્પષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધયોગ્ય લાયકાત છે તે (જીવ ) ભાવબંધ છે અને બંધન કરનાર કર્મ-નિમિત્ત છે તે દ્રવ્યબંધ છે. આમ એ બન્ને બંધ છે.
( ૧–૧૯૬ )
(૮૬૨ )
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણ છે. બંધનાં કારણ વસ્તુના સ્વભાવમાં નથી. પણ એ બંધનાં કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધનાં કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે. (૩-૫૨ )
(૮૬૩)
જુઓ ! સ્વરૂપના ભાન વિના વિકારનો સ્વામી થઈ જીવ પોતે વિકાર કરે ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપ બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું એવો સંબંધ નથી.
(૪-૨૯)
(૮૬૪ )
એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે એમ નથી પણ પોતે સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું અજ્ઞાન (પર્યાય ) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત તો જૂતાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com