________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૩૭
વળી તારો પરને મુક્ત કરવાનો અધ્યવસાય હોય તોપણ વીતરાગભાવ વિના, સરાગ પરિણામનો અભાવ થયા વિના તે મુકાતો નથી; અને પરને મુક્ત કરવાનો અધ્યવસાય ન હોય તોપણ વીતરાગભાવથી, સરાગ પરિણામના અભાવથી એની મુક્તિ થઈ જાય છે. માટે પરને મુક્ત કરવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ મુકાય છે એમ છે નહિ. પર જીવ તો પોતના વીતરાગભાવથી જ મુકાય છે. અહા! આ તો એકલા ન્યાય ભર્યા છે.
ભાઈ ! તારા પરિણામ એવા હોય કે આને હું બંધાવું-મુકાવું તોપણ એ સામો જીવ પોતાના સરાગભાવ વિના બંધાય નહિ અને પોતાના વીતરાગભાવ વિના મુકાય નહિ. વળી હું આને બંધાવું-મુકાવું-એવા તારા પરિણામ ન હોય તો પણ સામો જીવ પોતાના સરાગભાવથી બંધાય છે અને વીતરાગભાવથી મુકાય છે. આ પ્રમાણે પરના બંધ-મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત્કર છે, અર્થાત્ કાંઈ પણ કરી શકતો નથી, માટે તે મિથ્યા-નિરર્થક છે. જીવના પરને દુઃખી-સુખી કરવાના, પરને મારવા-જીવાડવાના કે પરને બંધાવા-મુકાવાના અધ્યવસાન છે તે પરમાં અકિંચિત્થર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયા-સ્વઅર્થક્રિયા કરતા નથી માટે તે મિથ્યા છે. અલબત્ત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, પણ પરમાં ક્રિયા કરવામાં નિષ્ફળ હોવાથી મિથ્યા છે. આવી વાત છે.
(૮-૧૬૨ ) (૯૨૦) ત્યારે કોઈ વળી કહે છે-અહીં પરમાં એકત્વબુદ્ધિના અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે, તેથી કાંઈ દયાના ને વ્રતાદિના પરિણામ બંધનું કારણ નથી.
ભાઈ ! એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વબુદ્ધિના પરિણામ જે મિથ્યાષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. બાકી દયા, દાન, વ્રત આદિના એકત્વબુદ્ધિરહિત જે પરિણામ સમ્યગ્દષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. તે અલ્પ બંધનું કારણ હોવાથી (દીર્ઘ સંસારનું કારણ નહિ હોવાથી) તેને ગૌણ ગણીને બંધમાં ગણ્યા નથી એ બીજી વાત છે, પણ તેથી જ તું એમ માનતો હોય કે એકત્વબુદ્ધિ વગરના રાગના પરિણામ (વ્યવહારના પરિણામ) કરવા જેવા છે, કેમકે તે બંધનું કારણ નથી, પણ મોક્ષનું કારણ છે તો તારી તે માન્યતા મિથ્યા-ખોટી છે; અર્થાત તને પરની એકત્વબુદ્ધિ મટી જ નથી.
(૮-૨૦૮) (૯૨૧) ભાઈ ! ગુણ-ગુણીનો ભેદ પણ પરાશ્રય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પરાશ્રિત વ્યવહારનય છે, તે બંધનું કારણ છે. આવી ઝીણી વાત!
(૮-૨૨૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com