________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
અધ્યાત્મ વૈભવ
સમકિતીને જેટલી સ્વ-આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે ધ્રુવભાવરૂપ છે, અક્રિય છે તે મોક્ષનું કારણ થતું નથી, વળી શુદ્ધદ્રવ્યથી વિમુખપણે વર્તતા ભાવો પણ મોક્ષનું કારણ નથી થતા; શુદ્ધદ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ મોક્ષનું કારણ થાય છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ-કાર્યપણું કહ્યું છે એમ તો તે-તે સમયની પર્યાય શુદ્ધદ્રવ્યને અવલંબીને પોતે પૂરણ શુદ્ધપણે પ્રગટે છે, પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી. પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે તેથી તેમનામાં કારણ-કાર્યપણું કહ્યું, અને તેનાથી વિરુદ્ધભાવોનો નિષેધ કર્યો. આ પ્રમાણે ક્યા ભાવથી મોક્ષ સધાય છે તે બતાવ્યું.
(૯-૧૫૪) (૬૧૨) કોઈ કહે છે–ચોથે ગુણસ્થાને નિશ્ચયસમકિત ન હોય. અરે ! સમકિત કોને કહેવું એની એને ખબર જ નથી. અહીં! અંદર વસ્તુ નિત્યાનંદ જ્ઞાનાનંદપ્રભુ પોતે છે તેની સન્મુખ થતાં સ્વાનુભવની દશામાં ‘હું આ છું’ એવી પ્રતીતિ થાય એનું નામ સમકિત છે અને તે નિશ્ચય સમકિત છે; તે વીતરાગી દશા છે. સમતિના સરાગ અને વીતરાગ એવા બે ભેદ તો ચારિત્રની અપેક્ષાએ કહ્યા છે, બાકી સમકિત-નિશ્ચય સમકિત તો સ્વયં રાગરહિત વીતરાગી નિર્મળ દશા જ છે. તે પોતાના અંતઃપુરુષાર્થથી પ્રગટ થાય છે.
જેને સમકિત પોતાના અંતઃપુરુષાર્થથી થાય છે તેમ મિથ્યાત્વ પોતાના ઊંધાવિપરીત પુરુષાર્થથી થાય છે, તેમાં કર્મ કાંઈ કારણ છે એમ છે જ નહિ.
(૯-૨૪૫ ) (૬૧૩) આત્મા પરદ્રવ્યને જાણે છે- એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે-એમ કહેવામાં પણ સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; “જ્ઞાયક જ્ઞાયક જ છે' - એ નિશ્ચય છે. અહાહા...! દૃષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. –આ પરમાર્થ છે. અહાહા...! પોતે પોતાને જાણે-એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં કહેણ ! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી એક જ્ઞાયકભાવમય પરમાત્મદ્રવ્ય છો-અહા ! આવું ભગવાનનું કહેણ તને આવ્યું છે તે સ્વીકારી લે; તેથી નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની તેને પ્રાપ્તિ થશે તું માલામાલ થઈ જઈશ પ્રભુ !
(૯-૨૬૩) (૬૧૪) અહાહા...! દર્શન (શ્રદ્ધાન) નામના ત્રિકાળી ગુણથી આત્મા પૂરણ ભરેલો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com