________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્ર
૨૬૭ વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વીતરાગભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે.
તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલાં આચરણને ઉપદેશતા નથી ?
ચરણાનુયોગમાં જે વ્રતાદિ આચરણ કહેલાં છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે અવશ્ય, પણ તે ઉપાદેય છે. આદરણીય છે એમ ઉપદેશતા નથી. સમકિતીને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે-એમ કહેતા નથી. જૈનના સાધુ તો વીતરાગસ્વભાવી આત્મા એક વીતરાગ ભાવરૂપે-સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે એ જ ધર્મ છે અને જે પ્રરૂપણા કરે છે.
હવે સમકિતનાં ઠેકાણાં ન મળે અને જીવોને મા હણો, તેમની દયા પાળો, જીવદયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ જે ઉપદેશ કરે તે જૈનના સાધુ-ગુરુ નથી.
ભાઈ ! પરની દયા કરવી એ તો શક્ય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે અને રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈનશાસનમાં કહ્યું છે
(૬-૧૨૦) (૭૩૧) જુઓ, પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂલગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે; બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઈ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ પરિણમન જ રાગના અભાવ સ્વરૂપ છે અને તે સમ્યક્રચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહિ, પણ સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈ સ્થિત થતાં જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે તે જ વીતરાગી ચારિત્ર છે.
(૬-૧૨૩) (૭૩ર ) અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. આ ટૂંકી ને ટચ વાત છે કે-પરથી ખસ અને સ્વમાં વસ. બસ સ્વમાં વસવું એ ચારિત્ર છે. ભાઈ ! જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્યસ્વભાવમાં આવી જા. અરે! પણ સ્વભાવની જેને ખબર ન હોય તે ક્યાં આવે અને ક્યાં જાય? એ તો સંસારમાં જ રખડે છે. શું થાય? મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારરત્નત્રય એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. (૬-૧૨૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com