________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૧૧ (૫૯૧) જેને પોતાના અપરિમિત ચૈતન્યસ્વભાવમાં સુખ ભાસ્યું છે કે, જ્યાં સુખ નથી ત્યાં (-રાગમાં) કેમ રહે? અહાહા..! જેણે પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? અહો ! ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. અહાહા....! સમ્યગ્દર્શનનો આવો કોઈ અદ્ભુત મહિમા છે! સમજાણું કાંઈ ?
(૮-૨૮) (૫૯૨) ભાઈ ! સમ્યગ્દર્શન એટલે શું? કે જેણે સંસારરૂપી વૃક્ષની જડ તોડી નાખી છે એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થયા પછી અસ્થિરતાના રાગ-દ્વેષરૂપી ડાળાં પાંદડાં રહ્યાં એની શું વિસાત? એ તો અલ્પકાળમાં સૂકાઈ જ જવાનાં. મતલબ કે બે પાંચ ભવમાં એ અસ્થિરતાના રાગ-દ્વેષ સંપૂર્ણ ટળી જઈને વીતરાગ થઈ એનો મોક્ષ થશે. માટે અસ્થિરતાના રાગાદિના કારણે થતા અલ્પબંધને અહીં બંધમાં ગણ્યો જ નથી.
(૮-૩૦). (૫૯૩) સ્વ એટલે કોણ? તો કહે છે-એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદસ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્યભાવ તે સ્વ છે અને તે નિશ્ચયનયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય લેવો જોઈએ.
આત્માશ્રિત એટલે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ થઈને આત્મા અને એનો આશ્રય લેવો એમ કોઈ કહે તો એ અહીં વાત નથી. અહીં તો આત્માશ્રિત એટલે સ્વઆશ્રિત ને સ્વ એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ. ભાઈ ! સમયગ્દર્શન ધર્મની પહેલા સીડી-એનું કારણ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવ છે. આત્માશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. સમ્યગ્દર્શન થવામાં એક જ્ઞાયકભાવ. ધ્રુવભાવ, નિત્ય સહજાનંદસ્વરૂપ ભાવ એક જ કારણ છે. બાપુ ! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી સમ્યગ્દર્શન થાય એમ છે નહિ, કેમકે એ તો સર્વ પરાશ્રિત ભાવ છે. એક સ્વના આશ્રયે જ-ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ?
(૮-૨૨૦) (પ૯૪) આ મોટી તકરાર! કે-સમકિત છે કે નહિ? –એની આપણને ખબર ન પડે; માટે આ વ્યવહાર સાધન જે વ્રત, નિયમ આદિ છે તેને ઉથાપે છે તે એકાંત છે. એમ કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, માટે વ્યવહાર કરનારા સાચા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com