________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૬૧ ઊપજવું તે પર્યાયધર્મ છે, ને ટકી રહેવું તે દ્રવ્યસ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે, અહો ! દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્યસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને સાક્ષાત્ જોઈને ઉપદેશ્ય છે. અહા ! આને સમજતાં તો તું ન્યાલ થઈ જાય અને તેના ફળમાં કેવળજ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે!
(૯-૧૩૩) (૪૫૦) નિજ પરમાત્મદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શું કીધું? આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ એ ત્રણે સ્વાશ્રિત પરિણામ છે, તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી. તે ત્રણેય ભાવો શુદ્ધાત્માભિમુખ છે ને પરથી વિમુખ છે. આ રીતે મોક્ષમાર્ગ અત્યંત નિરપેક્ષ છે, પરમ ઉદાસીન છે. જેટલા પરસનુખના પરાશ્રિત રાગાદિ વ્યવહારભાવો છે તે કોઈ પણ મોક્ષમાર્ગ નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પત્તિ જ થતી નથી. માટે તે રાગાદિભાવો મોક્ષમાર્ગ નથી; જે સ્વાશ્રિત નિર્મળ રત્નત્રયરૂપ ભાવ છે તે જ મોક્ષમાર્ગ છે, અને તે જ ધર્મ છે. તેને જ આગમ ભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવેલ છે.
(૯-૧૩૪) (૪૫૧) -પૂર્ણાનંદમય પરમાનંદમય એવો જે મોક્ષ છે તેનો ઉપાય જે શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગ તે ભાવ એક સમયની પર્યાયરૂપ છે અને તે ભાવ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સમ્યગ્દર્શનશાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે, શુદ્ધોપયોગ છે તે પર્યાય છે; એ પર્યાય, અહીં કહે છે, શુદ્ધપરિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અહા! જેમાં કાંઈ પલટના નથી, બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ જેને અહીં શુદ્ધ પારિણામિકભાવલક્ષણ કહી એનાથી સ્વાભિમુખ પ્રગટ થયેલા મોક્ષમાર્ગના પરિણામ કથંચિત્ ભિન્ન છે એમ કહે છે. અહો ! જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ!
(૯-૧૩૫) (૪૫૨) અહાહા...! જ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ છે તે અધિક છે. પરમસ્વભાવભાવ જે એક જ્ઞાયકસ્વભાવ તે રાગ અને એક સમયની પર્યાયથી અધિક નામ ભિન્ન છે. અહીં એ જ કહે છે કે ધ્રુવસ્વભાવના લક્ષે પ્રગટ થતો જે સત્યાર્થ મોક્ષનો માર્ગ છે તે ભાવનારૂપ છે અને તે ત્રિકાળી ભાવથી ભિન્ન છે. ભાવનારૂપ મોક્ષમાર્ગ અને ત્રિકાળી પરમભાવ-બે ચીજ સર્વથા એક નથી; તે બન્ને ચીજ સર્વથા એક હોય તો ભાવનારૂપ મોક્ષમાર્ગનો વ્યય થઈને મોક્ષ થાય ત્યારે ત્રિકાળી ભાવનો પણ નાશ થવાનો પ્રસંગ આવી પડે. ભગવાન ! મારગ તો આવો સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com