________________
૩૮
અને પ્રીયંગસુંદરી દેવી દેવભવમાં પણ પાછળથી સુકૃત્ય કરી પુણ્ય ઉપાર્જન કરવાથી આ સંપત્તિ પામે છે. ચંદ્રાપીડને અને કાદંબરીને પૂર્વનો કંઈ સંબંધ જણાતો નથી. પરંતુ આ નાયક નાયિકાને પૂર્વભવનો સંબંધ છે. તેને બળે આ હરિવહનના ભાવમાં પણ બન્ને એકબીજા તરફ આકર્ષાય છે અને આખરે બન્ને મળે છે. કાદંબરીમાં પત્રલેખા પૂર્વભવનું સંબંધી પાત્ર છે. પણ તે ઘણે ભાગે તટસ્થ પાત્ર છે. દેવી હકીકતો સાથે અને ગ્રંથોમાં સંબંધ આવે છે. તે, તે કાળને માટે અનિવાર્ય છે.
પુંડરીક અને મહાશ્વેતાનો વૃત્તાન્ત જેમ કથામાં લવણ ઉમેરે છે. તેમ અહીં પણ સમરકેતુ અને મલયસુંદરીનો વૃત્તાન્ત કથાનો વિસ્તાર વધારે છે અને કથાને અતિ રસીક બનાવે છે. તેઓ બન્ને પણ પૂર્વભવના સુમાલી અને પ્રયવંદા દેવીરૂપે સંબંધી છે. જ્વલનપ્રભ અને પ્રિયંસુંદરીની માફક જોઈએ તેવું સુકૃત્ય નહિ કરી શકેલા હોવાથી તેમજ પ્રયવંદાએ ચ્યવનકાળે સર્વજ્ઞ ભગવાનના વચન પર અવિશ્વાસ લાવી હૃદયમાં પતિવિયોગથી દુઃખી થઈ. તેથી આ ભવમાં પણ તેને વધારે કષ્ટ અનુભવવું પડે છે. કાદંબરીમાં પુંડરીકનું શરીર ચંદ્રલોકમાં જાય છે. ફરી તે જ શરીરે પાછો સજીવન થાય છે. ચંદ્રાપીડના શરીરની રક્ષા થાય છે. જીવ બીજો અવતાર લે છે. પાછળથી તે જ શરીરમાં પાછો જીવનો સંચાર થઈ ચંદ્રાપીડ રૂપે જીવ થાય છે. વૈશામ્પાયન માનુષી શરીર છોડી પોપટ થાય છે. આવું બીજી પણ અનેક પૌરાણિક કથાઓમાં બનતું આપણે જોઈએ છીએ.
જૈનશૈલીમાં કેટલીક તફાવત છે. કોઈપણ પાત્રનું મરણ થતું નથી. મરણની સ્થિતિમાં લાવી મૂકે છે. પણ મરણ થતું જ નથી. જો મરણ થાય તો ફરી જીવી શકે નહિ. આ જૈનશાસ્ત્રનો નિયમ છે. તેમજ એનું એ શરીર કાયમ રહી શકતું નથી. એટલે માનુષી શરીર દેવલોકમાં જઈ શકતું નથી.