________________
૯૪
એમ પણ અનેક કાર્યમાં વ્યગ્નચિત્તવાળા તને કહેવાની ઈચ્છા થતી નથી. પણ માત્ર આટલું પ્રાર્થનાપૂર્વક કહું છું કે- “પાસે હો કે દૂર હો, સુખમાં હો કે દુઃખમાં હો, પણ અમારી સાથે થયેલ આ ક્ષણમાત્રનો વાતચીતનો પરિચય ભૂલીશ મા.'
એમ કહી તાંબુલ વગેરે આપી કુમારે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.
સમરકેતુએ પોતાના કામનો પત્ર લખીને આપ્યો તે કુમારે ગંધર્વના હાથમાં આપ્યો અને સમરકેતુએ કહ્યા પ્રમાણે કહ્યું:“ગંધર્વક ! સુવેલાચળેથી પાછા ફરી કાંચીમાં કુસુમશેખરની પત્ની ગંધર્વદત્તાને મળવાનું તેં ધાર્યું છે. તો ત્યાં જા ત્યારે તેની પુત્રી મલયસુંદરીને આ કાગળ એકાંતમાં આપજે.’
ગંધર્વક‘“બહુ સારું” એમ કહી કુમારને છેલ્લો પ્રણામ કરી તે જળમંડપમાંથી બહાર નીકળ્યો. બારણામાં ઉભેલા લોકોના આશ્ચર્ય વચ્ચે વસ્ત્ર સંકોચતો પક્ષીની માફક આકાશમાં ઉડી ગયો અને દક્ષિણ દિશા તરફ ચાલ્યો.
થોડીવાર ગંધર્વકની વાતો કરી કુમાર પોતાના આવાસ તરફ ગયો.