________________
૧૩૧
નીકળી કિનારે એક લતા મંડપમાં શિલા પર બેઠો. ત્યાં એકલો અરણ્ય જોઈ વિચારવા લાગ્યો.
“અહા ! આ સંસાર કેવો અસાર છે ? અહા ! કર્મના પરિણામો કેવા વિચિત્ર છે ! અહા ! ઈચ્છા પ્રસાણે વર્તવામાં વિધિની કેવી હઠ છે ? અહા ! વૈભવો કેવા ક્ષણમાત્રમાં હતા ન હતા થઈ જાય છે ? આજે જ મારે મુકામે મિત્રો સાથે વિણા વગાડી ગમ્મત ઉડાવતો હતો, ને આજે જ આ શિકારી પશુઓતી વિંટાયેલો આ પહાડી ભૂમિમાં એકલો બેઠો છું. આ રીતે અસ્વસ્થ મનવાળો હું માનું છું કે–તે રાજ્ય નહોતું, તે રાજાઓ નહોતાં, તે સૈન્ય નહોતું, તે છત્રાદિક રાજચિન્હો નહોતાં, તે ચારણોના સ્તુતિ વચનજ ન હોતા. બધું સ્વપ્ન સમાન થઈ ગયું. બીજું તો ઠીક, પણ જેના ઉપર બેસી હું આટલે સુધી આવ્યો, જેની સાથે જ આ સરોવરમાં પડ્યો, પ્રાણભૂત મારો પટ્ટહાથી પણ અત્યારે મારી પાસે નથી. એ બાપડાનું શું થયું હશે ? દૂરથી ઉડતો આવતો હતો, ને શરીર ભારે હતું તેથી કાદવમાં ખૂંચી તો નહી ગયો હોય ને ? અથવા પડતાની સાથે જ દોડી આવેલા મોટા મોટા મગરમચ્છો કટકા કરી વહેંચી લઈ ખાઈ નહીં ગયા હોય ? શું થયું હશે?
એનો એકનોજ શો વિચાર કરવો ? આખો સંસાર જ એવો છે. આશ્ચર્ય માત્ર એટલું છે કે—આવી રીતે સંસારનું સ્વરૂપ જાણતા છતાં, પદાર્થોની આવી રીતે જ અનિત્યતા જોતાં છતાં, અને આવી આવી દશાઓ અનુભવવા છતાં પ્રાણીઓનું મન વિરાગી બનતું નથી. વિષયાભિલાસ ઓછો થતો નથી, ભોગની ઈચ્છા ભાંગતી નથી. બુદ્ધિ નિઃસંગ થતી નથી, આત્મા મોક્ષ સુખ મેળવવા પ્રયત્ન કરતો નથી. ખરેખર આ સંસારનો મોહ ઘણો જ વિચિત્ર છે.''