________________
૩૧૩ મહોત્સવ પ્રસંગે નગર નારીઓ ઝરૂખાઓમાં, અગાશીઓમાં, ને બારીએ ઉભી રહી વરવધુની જોડી જોવામાં લીન થઈ. છેવટે ઈદ્રની પેઠે પોતાના આવાસમાં પ્રવેશ કર્યો. પ્રિયા મુખારવિંદ પર અનિમેષ નયનો સ્થાપી હંમેશા નવવધૂ સાથે અવનવા નિધુવનોનો આનંદ અનુભવતા ત્યાં જ સુખે રહેવા લાગ્યા. - હવે વિચિત્રવીર્ય રાજાએ સામે જઈ, ઉતારો આપી, મહોત્સવ શરૂ કરી મલયસુંદરી સાથે સમરકેતુનું લગ્ન કર્યું. સ્વર્ગમાં પણ નહીં અનુભવેલા દશ દિવસો સુધી જ્ઞાતિલોક, કુટુંબીઓ વગેરે તરફથી સત્કાર પામતો ત્યાં રહ્યો. તેને બોલાવવા હરિવાહને કેટલાક પ્રધાનો કેટલાક દિવસો પછી મોકલ્યા. તેઓ સાથે ગંધર્વદત્તા સાસુ વગેરેની રજા લઈ મલયસુંદરી સાથે ત્યાંથી વિદાય થયો. વૈતાઢ્ય પર્વત ઓળંગી ગગનવલ્લભ નગરમાં આવ્યો. આવતાની સાથે જ પ્રેમથી હરિવાહને ઉત્તર શ્રેણીના રાજ્યની તમામ બોજો સર્વાધિકાર સાથે તેના પર નાંખ્યો.