________________
૨૭૨
સજ્જ કરી તમારી શોધની તૈયારી કરી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ચિત્રમાય પણ મારી સાથે સાથે આવ્યો, કેટલાક દિવસ રહ્યો. છેવટે કંટાળ્યો, અને બોલ્યો-“કુમાર ! આપને પાછા લઈ જવા મલયાબાએ મને વારંવાર ભલામણ કરી છે, તે આપ જાણો છો. તો હવે ફરમાવો, મારે શું કરવું ?”
આ પ્રશ્ન પુછી જવાબની રાહ જોતો મારી સામે જોઈ એ ઉભો રહ્યો. મારું મન પણ તેની સાથે જવા ઉત્સુક છતાં તમારા પ્રેમરૂપી બેડીમાં જોડાયેલો હું બહુ જ વિચારમાં પડી ગયો. છેવટે જવાબ આપ્યો-“ભાઈ ! તું જા, મલયસુંદરીને આ બધી વાત જાણે છે તે કહેજે. અને મારી વતી એટલું પણ સાથે સાથે કહેજે-“મનની નિરાંત વિના હું કેવી રીતે આવું? સમરકેતુને મળ્યા વિના આવીને પણ તમને શું મુખ બતાવું ? તેથી હાલ
ત્યાં આવવાનો મને આગ્રહ જ ન કરશો, કેમકે બીજાં દરેક કામો છોડીને તેની શોધમાં જ પ્રયત્ન લગાવવાનો છે. જે આ કામ હું કરું છું તે તમે પોતે જ કરો છો, એમ ધારીને જરાપણ મનમાં ખેદ કરશો નહીં.
તેમજ દેવી તિલકમંજરી “હું મારા કોઈ સ્વાર્થમાં ગુંથાયે હોઈશ” એમ ધારી મારા પર કોપ ન કરે, અને હંમેશ જેવી છે તેવીને તેવી મારા પર મહેરબાની રાખે, એવું કરશો, એવી મારી પ્રાર્થના છે” એમ કહી તેને વિદાય કર્યો.
મજલ પર મજલ કરતાં રસ્તામાં નજીકના આશ્રમમાં ગામડાંઓમાં, શહેરોમાં, અરણ્યોમાં બીજા પણ પ્રદેશોમાં તમારા જવાનું અનુમાન કરી કરી વિસામો લીધા વિના જ તમને ખુબ શોધ્યા. એમને એમ શોધતાં એક નિર્જન અરણ્યમાં પેઠા.