________________
૪. છેલ્લો દિવસ
તિલકમંજરી પણ કંઈક ખુશી અને કંઈક કચવાટથી તે સિદ્ધાયતન મંડપથી નીકળી ચાકરોએ તાણેલા તંબૂમાં ગયા. ત્યાં જઈ તીર્થવાસી, પવિત્ર અને મહાતપસ્વી મુનિવર્ગને અન્ન પાનાદિથી પ્રતિભાભી પરિજન સાથે ભોજન કર્યું. પછી એક સાદડી પર બેઠેલા દેવી પાસે, મધ્યાહ્ન કૃત્યથી પરવારી ફળોનો આહાર કરી મલયસુંદરી આવ્યા અને બોલ્યા
તિલકમંજરી ! તારે હવે શું કરવું છે ? આ પર્વત પર રહીને જ તીર્થયાત્રા કરી દિવસો ગાળવા છે ? કે બીજા તીર્થસ્થળોએ જવું છે ? શો વિચાર છે ?”
તિલકમંજરી–“હેન ! મને તો કંઈ સૂજ પડતી નથી. મારું ચિત્ત અત્યન્ત ગભરાય છે. મનમાં ઉદ્વેગ થયા કરે છે. મીઠી વાતો પણ કંટાળો ઉપજાવે છે. વિલેપન કરેલું ચંદન પણ શરીરે દુઃખ આપે છે. કંઈ ભયંકરતા જોતી હોય તેમ જમણી આંખ ફરકે છે. અચાનક ફેરફારનું કારણ કંઈ સમજાતું નથી. મારે વિયોગે તાત અરણ્યમાં જવા ઈચ્છતા હશે ? માતુશ્રીએ મારું મુખ ન જુવે ત્યાં સુધી અન્ન-પાણી હરામ કર્યું હશે ? અથવા તો મારે દુઃખે દુઃખી કોઈ મનુષ્યનું અનિષ્ટ થવા બેઠું હશે ? શું હશે ? કંઈ સમજાતું નથી.”
વેત્રધારીએ પ્રવેશ કર્યો
વેત્રધારી–“બા ! જતી વેળા આપે કહ્યું હતું કે- “વિત્રમાય | ! જઈને હરિવાહનકુમારને તેમના પોતાના સૈન્યમાં મૂકી આવ.”