________________
૧૬૦ તેને પાછો બોલાવવા વિચાર કરતી હતી પણ છેવટે કંઈ ન સૂજવાથી પેલી વસંતસેનાને જ કહ્યું.
અરે સખી ! ના પાડી તોય પેલો લુચ્ચો ચાલ્યો જાય છે. પ્રાર્થના કરી પેલા રાજકુમાર નિરાશ થઈ પાછા જાય છે. કંઈક કરીને પાછા વાળ. મંદિરમાંથી કોઈ બહાર આવશે, તો કહીશું કે “આમને રસ્તો બતાવો.” આમ તો આપણી લાજ જાય. સખી એમને એમ ના જવા દેવાય.”
વસંતસેના–“અલ્યા ! કર્ણધાર (ખલાસી) ! કાન વિનાનો હો એમ લાગે છે. પેલા તારા સ્વામીને શરીરે ઠીક નથી, થોડીવાર રહેવાનું કહે છે, તે સાંભળતો નથી ને એમને એમ ચાલ્યો જાય છે. સમુદ્ર પણ ખળભળ્યો છે. પવન પણ પ્રતિકૂળ હોવાથી તારી આ હોડી જવા ન ઈચ્છતી હોય તેમ ડામાડોળ થઈ રહી છે. જો મારું કહ્યું માનતો હો, સરળ રસ્તો ઈચ્છતો હો, તારા સ્વામીનું કુશળ વાંછતો હોય, તો પાછો ફર. સમજાવી શાંત કર. કહેવાનું મનમાં હોય તે કહી દે. આ તારી ગોત્રદેવી છે, તેની હંમેશ તારે ઉપાસના કરવી જોઈએ. ને આજ ભયંકર સમુદ્રમાં તો વિશેષ કરીને તેની ઉપાસના કરવી જોઈએ. વળી સમુદ્ર શાંત થાય ત્યાં સુધી તો રાહ જો. આ અશુભ મુહૂર્ત વીતવા દે. સારું શુકન લઈને જા. જયારે શાંત થાય અને તેને ખુશી થઈ રજા આપે પછી સુખેથી જજે.”
તુરત તેણે હોડી પાછી વાળી, ને નમ્રતાથી બોલ્યો
“આર્ય ! અવસરે ઉપદેશ આપી ખરેખર મારા પર આપે ઉપકાર કર્યો છે. આવું કોણ કહે ? હું આપના કહ્યા પ્રમાણે જ વર્તીશ.”