________________
૨. ધર્મ કરતાં ધાડ
ત્યાં ઝાડને છાંયે એક બાઈ બેઠી હતી, તેના વાળ વીખેરાઈ ગયા હતા. ખભે વલ્કલ હતું, આંખમાંથી આસુની ધાર ચાલતી હતી, પોતપોતાનું કામ છોડીને કેટલીક તાપસી આજુબાજુમાં બેઠેલી હતી અને તેની સાથે શોકમાં ભાગ લેતી જણાતી હતી, ભોંય પર પગ લાંબા કરી તે બેઠી હતી, લાંબે સૂરે આગલી પાછલી વાત સંભારી સંભારીને વિલાપ કરતી હતી, હૃદય વલોવી નાખે એવા કરૂણ શબ્દોથી વિધિને ઠપકો આપતી હતી, તેની આકૃતિ સુંદર હતી, પણ તેની યુવાવસ્થા કેટલે અંશે ગળી હતી.
મને દયા આવી પાસે જઈ પૂછ્યું–
આર્ય ! કેમ વિલાપ કરો છો ?”
આ શબ્દો સાંભળી એકદમ તે મારા પગમાં પડી, પછી હાથ જોડી દીનતાથી બોલી
“ભાઈ ! શું કહું ? મારા આખા કુટુંબને બચાવ ! એક આ અપત્યના પ્રાણરક્ષણની ભિક્ષા આપ ! આ દક્ષિણ દેશના અધિપતિ કાંચીરાજ કુસુમશેખરની ગંધર્વદત્તાની પત્નીથી જન્મેલી કુમારી મલયસુંદરી છે. શત્રુ સાથે લડાઈ કરતાં, કોઈપણ કારણસર મને સોંપીને આ પુત્રીને શહેર બહાર મોકલી દીધી. ગુપ્ત રીતે જ સેવકો અમને બન્નેને આ તપોવનમાં પહોંચાડી ગયા. અહીં આવી તાપસ વેષ સ્વીકારી અમે અહીં રહેતા હતા, પણ આજે કોણ જાણે શા કારણથી મને ભૂલવાડીને મારાથી છાની રીતે આ ભયંકર સ્થાનમાં આ ચાલી આવેલી, હું તેને શોધવા જંગલમાં નીકળી પડી, શોધતાં શોધતાં અહીં તેને જોઈ. પ્રથમ તો ક્રોધમાં