________________
( ૩. તાંબૂલ પ્રદાન છે
ચતુરિકા ગઈ, મલયસુંદરીએ પ્રસ્તાવ કરી પોતાની બાલ્યાવસ્થા, સમુદ્ર વચ્ચેના પર્વત પરના બનાવો, ઋષિઓના આશ્રમોમાં વાસ વગેરે વગેરે પોતાના સુખની વાત ઘણી કરી હૃદય હલકું કર્યું. અવસર થયો એટલે ઉઠી, ઉભી થઈ. વચલે માળે જઈ પોતાની પથારીમાં સુતી.
હું પણ ચંદ્રકાન્ત પત્થરના મંડપમાં જઈ એક વિસ્તૃત શિલા પર કેટલાક કલ્પવૃક્ષના પાત્રોની પથારી તરફ ચાલ્યો ગયો. એક મોટા ઓટલા પર પુષ્પમાળાઓની ગાદલીપર બેઠો. ચતુરિકા પથારી પાસે બેઠી બેઠી મારી પગચંપી કરતી હતી. તેનો કોમળ કર સ્પર્શ મીઠો લાગતો હતો. પગચંપી કરતાં તેના વલયોનો મનોહર કણકણાટ થતો હતો. સંવાહન (પગચંપી) કરવામાં ચતુર ચતુરિકાએ કહેલા તિલકમંજરીના મદોન્માદથી મને પોતાને મારે વિષે જ બહુમાન ઉત્પન્ન કર્યું હતું. ચતુરિકા પગચંપી કરતી હતી, મારા મનમાં વિચારશ્રેણી વહ્યું જતી હતી,
અરે ! હૃદય ! હવે શા સરૂ હેરાન થાય છે ? હવે કેમ લાંબા વખતનો ખેદ છોડતું નથી ? બસ, હવે તો પરમ સંતોષી થા.
ચિત્રમાં પણ જેના રૂપનો લેશ ભાગ જોઈ તેવા પ્રકારની વિહ્વળતા પામ્યું હતું, જેની અભિલાષાએ અનેક સંકલ્પ વિકલ્પ કરીને ટુંકી છતાં સો વરસ જેવડી ઉનાળાની રાત્રીઓ પથારીમાં આળોટી આળોટી પૂરી કરી હતી, જેને મેળવવાની આશાએ રોજ મહેલની અગાશી પર ચડી ચડી ગંધર્વકની રાહ ઉત્સુક થઈ