________________
૨૪)
આવવા લાગી. આવી એકીટશે મને સંતોષપૂર્વક જોઈ મલયસુંદરીની બાજુમાં બેઠી.
તે બેઠી, તેનું જાણે પાન કરતી હોયની, તેને જાણે ખોળામાં બેસાડવા ઈચ્છતી હોયની, ગાઢ આલિંગન આપવા ઈચ્છતી હોયની, સ્નેહાળ ચક્ષુથી ખુબ જોઈ, પીઠપર વારંવાર હાથ ફેરવી મલયસુંદરીએ સખેદ પૂછ્યું
“પ્રિય સખી ! એક દિવસમાં જ તને આ શું થઈ ગયું? કહે તો, તને આવું અસુખ શાથી થયું ? પાછું કારણ વિના શાંત પણ કેમ થથ ગયું ? અને સવારના પહોરમાં જ બીજું કામ છોડીને અહીં આવવાનું કેમ થયું ?” એમ કહી મારી સામે જોયું. જ્યારે તેણે ઉત્તર ન આપ્યો એટલે ફરીથી મલયસુંદરી એને કહેવા લાગી
તિલકમંજરી ! આ તરફ જરા વિશેષ આદરથી જો. તે જ આ ભરતાધના રાજા મેઘવાહનના પ્રથમ પુત્ર કુમાર હરિવાહન જેણે સકળ કળાઓ પ્રાપ્ત કરી છે, અને જેનો સ્વભાવ ચંદ્ર જેવો અમૃતમય છે.”
તેણે તુરત જ લીલાપૂર્વક મારા તરફ જોયું, ને જાણે કુસુમબાણની બાણાવળી, જાણે શૃંગાર સાગરમાં ફરનારી સફરી, જાણે લાવણ્ય ચંદ્રોદયની દિગન્તોને ધોળનારી જ્યોત્સના, રાગાગ્નિની જાણે ઉલ્કા, યૌવન યુવરાજની સવિભ્રમભૂલેપપૂર્વકની જાણે આજ્ઞા, હર્ષથી મીંચાયેલી, વિસ્મયથી વિકસિત, અભિલાષાએ પ્રેરેલી, લજાએ વિષમ કરેલી, જાણે અમૃતવૃષ્ટિ, સુખની વૃષ્ટિ, એવી અંત:કરણની પ્રીતિની સાક્ષી પૂરનારી કટાક્ષદષ્ટિ મારા પર છોડી.