________________
૨૪૪
સખીઓના વાળો હસતાં હસતાં સરળ અંગુલીથી કુટિલ બનાવતી હતી. હાસ્યપૂર્વક રૂદન કરતી પરિચારિકાઓના દંત છંદોવાળા ઓષ્ઠ પર ચંદનનો લેપ કરાવતી હતી. પરિજનોને રમાડવા આગળ ધરેલા પોતાના કુટુંબીઓના બાળકોની હડપચી બે આંગળી વતી ઉંચી કરી સંભળાય તેમ ચુંબન કરતી પોતાના મુખમાંથી પાન તેના મુખમાં મૂકતી હતી. દડાની રમતમાં પ્રસંગે પ્રસંગે ઢીલો નહીં છતાં મુગટનો તોરો બરાબર ખોસતી હતી, ને ભૂજમૂળ તથા સ્તનતટ વારંવાર દેખાડતી હતી.
કંટાળી ગયેલી રિચારિકાઓની વિનંતીથી અને સખીઓના આગ્રહથી થોડીવારે નીચે ઉતરી મલયસુંદરી પાસે આવી બેઠી. વૃદ્ધાઓએ વારંવાર કહ્યું એટલે કંટાળીને ઉભી થઈ મંદમંદ ગતિએ ઘેર જવા નીકળી.
તે પરિવાર સહિત ગઈ, કેટલાક પગલાં ગઈ હશે તેવામાં મંદુરા નામની દ્વારપાલિકા સત્વર પાછી વળી મલયસુંદરી પાસે ગઈ, ને કહ્યું:
‘બા, તિલકબા હાથ જોડી આપને વિનવે છે,–“આજે આપ શહેરમાં પધારી મારૂં ઘર પવિત્ર કરશો, અને કુમારને પણ સાથે લેતા આવશો, એટલો મારા પર અનુગ્રહ કરશો.'
મલયસુંદરી થોડીવાર વિચારમાં પડી ગઈ, નીચે જોઈ રહી, શું કરવું તે સૂઝ્યું નહીં, છેવટે બોલી–
“મંદુરા ! મારા જેવા ફળમૂળ ખાવાવાળાને રાજ્ય મહાલયોમાં જવું ઉચિત નથી. કુમાર ભલે આવે, સખાએ કરેલું આતિથ્ય સ્વીકારે.' એમ કહી તેને વિસર્જન કરી.