________________
૬. વૈજયન્તી વિપ્લવ
એવામાં એક આધેડ સ્ત્રી ફૂલ વીણતી વીણતી કેટલીક દાસીઓ સાથે ત્યાં આવી. મારી નજીક આવી ઓળખતી હોય તેમ મારી સામે જોઈ રહી. અને તુરત જ બોલી ઉઠી-“અરે! બેટા મલયા ! તું ક્યાંથી ? આ જંગલમાં એકલી કેમ ? કોણે તારી અવદશા કરી ? રત્નાલંકાર ઉતરાવીને કયા દુષ્ટ બુદ્ધિએ તને આ વલ્કલ પહેરવાની ફરજ પાડી ? ઉઠ ઉઠ, દીકરી ઉઠ. થોડીવારની તારી આ સખીને ભેટ એમ કરી મને પોતાને ઉભી કરી ને ગળે વળગી પડી.
તેના આ આશ્વાસનનાં વચનો અને પ્રીતિવાળા હૃદયથી હું ઘણી શાંતિ પામી. હું યાદ કરવા લાગી “મેં આને ક્યાં જોઈ છે ? ક્યાં જોઈ હશે ?' એમ વિચાર કરતાં યાદ આવી ગયું“અહો ! આ તો ચિત્રલેખા !!”
એવામાં વનમાં કોલાહલ થયો. તેમાં વેત્રધારીઓનાં અવાજ સાથે ચારણ વિદ્યાધરીઓનો જય જય નાદ મળતો હતો. વન ગાજી રહ્યું હતું. થોડીવારે સ્ત્રીઓનું એક ટોળું નજરે પડ્યું. તેમાં મધ્ય ભાગે એક કિંમતી છત્ર જણાયું. તે મંદમંદ ચાલતું હતું. તેથી તે ઓઢનાર મંદગતિએ ચાલનાર હશે એમ અનુમાન થતું હતું. બે બાજુએ ચામરો વીંજાતા હતા. તલવાર સહિત કેટલીક સ્ત્રીઓ આજુબાજુ ચાલતી હતી. કેટલીક વિદ્યાધર સ્ત્રીઓ ભિન્ન ભિન્ન પ્રકારની સેવા ઉઠાવતી હતી. એ ટોળાંની નાયિકા બીજા કોઈ નહીં પણ દક્ષિણ શ્રેણીના વિદ્યાધર ચક્રવર્તી ચક્રસેનની પટરાણી પત્રલેખા હતા. તે સરોવરના ઉત્તર કિનારાથી અમારી ભણી પગે ચાલીને આવતા હતા.