________________
(૨. પ્રેમાકુર) એવામાં ધીમે ધીમે સૂર્યદેવ અસ્તાચળ તરફ પોતાના બિંબને લઈ ગયા. અંધકાર રાક્ષસે જગતને ગળી જવા મોં ફાડ્યું ને ગળવાનો આરંભ કર્યો. માત્ર તારાઓથી દિશાનું પુષ્પની સુગંધથી વૃક્ષોનું, અવાજથી પશુઓનું, ચાલવાથી રસ્તાનું જ્ઞાન થતું હતું.
એક પ્રહર વિત્યો, સાયંતન ક્રિયા પૂરી થઈ, ગુરુજનને દૂરથી જ નમસ્કાર કર્યા. ચંદ્રમંડળ ઉદય પામી ચુક્યું હતું. ત્યારે મઠની અગાશી પર હું ગયો. અગાશીમાં આમ તેમ ફરતો હતો અને ચારે તરફ સૃષ્ટીસૌંદર્ય નિહાળતો હતો. દિવ્ય ઔષધિઓનો પ્રકાશ વનના કચ્છોમાં ફેલાઈ રહ્યો હતો. ચંદ્રકાન્ત પત્થરમાંથી વહી નીકળેલા ઝરણોનો કલકલ નાદ આનંદ આપતો હતો. ઈદુની પ્રભાથી એકશૃંગ ગિરિનો એક ભાગ ઉજ્જવળ જણાતો હતો. આ જોઈ મને બહુ જ આનંદ થયો.
પછી મલયસુંદરીની સાંધ્ય કૃત્યથી પરવારી એટલે હું તેની પાસે ગયો. મંડપના આંગણાંમાંથી ધુળ કાઢી નાખી હતી. ને પાણી છાંટી દીધું હતું. મલયસુંદરી કાન્તના કુશળ સમાચાર સાંભળ્યા તેથી શાન્ત ચિત્તે ધોળેલા રૂપેરી ઓટલા પર બેઠી હતી. હું થોડેક દૂર પાટલા પર બેઠો તેવામાં ચતુરિકાએ આવીને કહ્યું
“બા ! વાહન ઉભા રાખીને ચારાયણ નામનો કંચુકી કેટલાક માણસો સાથે બહાર ઉભો છે, ને કહે છે કે તિલકમંજરીને શરીરે અસુખ છે, તેથી મલયસુંદરીને તેડવા આવ્યો છું.”