________________
૨૨૬
ખ્યાતિ પામી ત્યારે તેને બીજી રાજકન્યાઓ સાથે પંચશૈલ દ્વિપે વિદ્યાધરો રાત્રી પડતાં લઈ ગયા.
ત્યાં રત્નકુટ પર્વત પર કોઈ દેવતાએ બનાવેલું શ્રીમહાવીર જ્ઞાનેશ્વરનું મંદિર છે. મહાવીર પ્રભુ આસો વદી ૦)) ને દિવસે નિર્વાણ પામ્યા છે. તે દિવસની યાદગીરી માટે વિદ્યાધરોએ પાક્ષિક ઉત્સવ શરૂ કર્યો હતો. ત્યારે કારતક સુદ-૧૫ને દિવસે મેં તેને ઉત્સવની પૂર્ણતાને દિને જોઈ. મેં મારા હાથે શૃંગાર પહેરાવ્યો ને તેણે નૃત્યુ કર્યું. તે જ મલયસુંદરી.’’
આ વાત સાંભળી પત્રલેખા મને ભેટી પડ્યા. મને આંગળીએ વળગાડી મારા કુટુંબના સમાચાર પૂછતા પૂછતાં વિદ્યાધરીઓ સાથે આ જિનમંદિરે આવી પહોંચ્યાં. દેવાર્ચા કરી મને પોતાને ઘેર તેડી જવા બહુ આગ્રહ કર્યો. આ જીનાયતન જોઈ મારૂં મન અહીં જ રહેવાનું થવાથી મેં કહ્યું-‘માજી ! આવી અવસ્થામાં મને કુટુંબમાં રહેવું શોભે નહીં, કેટલાક દિવસ સુધી મારે મુનિકન્યાવ્રત પાળવાનું છે. આ વન જ મારું ઘર છે.’’
મેં એમ કહ્યું છતાં પ્રેમને લીધે તેણે બહુ આગ્રહ કર્યો છતાં જ્યારે તેણે મારો દૃઢ નિશ્ચય જોયો ત્યારે તેને ખાત્રી થઈ કે આ કોઈ રીતે આવશે જ નહીં. ત્યાર પછી આ ત્રણ માળના મઠનો વચલો માળ મને આપ્યો. અને આ ચતુરિકાને મારી પરિચારિકા તરીકે સોંપી પેલા વિમાનમાં જ બેસી વિદ્યાધરીઓ સાથે શહેરમાં ગયા.