________________
૧૮૬
લાવું ? એમ બોલતી બોલતી મને લાગ્યું કે ત્યાંથી કામદેવના મંદિર તરફ દોડી ગઈ.
આટલી જ વાત સ્વપ્ન જેવી હું જાણું છું. પછી શું થયું તેની મને કાંઈપણ માહિતી નથી. એણે શું કર્યું ? ક્યાં ગઈ? શો પ્રયત્ન કર્યો ? અને મારૂં શું થયું ? એ કાંઈ હું જાણતી નથી.
પરંતુ થોડીવાર પછી જરા સોં વળી. મારો ગળાફાંસો જતો રહ્યો હતો. શ્વાસ પણ માપસર ચાલતો હતો. જાણે અમૃતપંકના પલંગમાં સુતી હોઉં ! જો કે ખીલેલ કમળોના ઢગ પર સુતી હોઉં ! એવી રીતે અપૂર્વ સુકુમાર સ્પર્શથી મહાઆનંદ સાગરમાં હું ડૂબી હતી. બંધુસુંદરી રૂદન કરતી ન હતી, પણ રૂદન કરવાથી તેનો ઘાંટો બેસી ગયો હતો. તેથી ખોખરે અવાજે કોઈની સાથે વાતચીત કરતી મેં એને સાંભળી. તેણે વાતચીત કરવામાં મર્યાદા જ રાખી ન હતી. “મારૂં કુળ, મારો જન્મ, મારો વિદ્યાભ્યાસ, મારી યુવાવસ્થા ને છેવટે રાતે સુતી હતી, અગાશીમાંથી વિદ્યાધરો પેલા જિનમંદિરમાં લઈ ગયા. ત્યાં નાચ કર્યો, વિદ્યાધરેન્દ્ર સાથે વાતચીત થઈ, તેણે છત્ર ચામર આપી માનમાં વધારો કર્યો. સખીઓ સાથે કિલ્લા પર સમુદ્ર જોવા ચડી, હોડીમાં બેઠેલો રાજકુમાર જોયો, તેમને અનુરાગ જણાવવા સમુદ્રની પૂજાને બાને પુષ્પમાળા તેના કંઠમાં પહેરાવી, તિલક કર્યા પછી ગમે તે કારણથી તે સમુદ્રમાં પડ્યો, એન તેની પાછળ સમુદ્રમાં હું પડી,'' આ બધુંયે મારૂં ગુપ્ત વૃત્તાન્ત જરાયે જરા કોઈને કહી સંભળાવતી હતી.