________________
૪. કિંપાક ફળનો વિપાક
એક દિવસ લગભગ પહોરે'ક દહાડો બાકી હશે ને પાસેની પર્ણશાળામાં કુલપતિ પાસે કંઈક વાતચીત ચાલતી હતી. ન રહેવાયું ને, તે સાંભળવા ગઈ, વાત કરનારાઓ કાંચી તરફથી આવેલા બ્રાહ્મણો હતા. વાત ચાલતી હતી, કાન માંડ્યા ને એકલી એકલી સાંભળવા લાગી
“ભગવાન્ ! મદનત્રયોદશીની રાત્રે કાંચીમાં ભારે યુદ્ધ જામ્યું હતું. બસ, કાંચીમાંથી રાતોરાત સૈન્ય નીકળ્યું, ને શત્રુઓ પર ખીજવાયેલા વાઘ માફક તુટી પડ્યું. શત્રુઓ નાસવા લાગ્યા, શત્રુના સેનાપતિના છત્ર, ચામર, શસ્ત્રો વગેરે ક્યાં ક્યાંય ઉરાડી મુક્યાં. પણ કોણ જાણે શાથી કે પાછળથી શત્રુએ કાંચીમાંથી બહાર પડેલ આખી સેનાને દીર્ઘ નિદ્રામાં સુવાડી દીધી.
આટલા વિષમય અક્ષરોએ કાનમાં પેસતાની સાથે જ શૂળ ઉત્પન્ન કર્યું. આ દુષ્ટોના ઝેરી શબ્દોએ આખા શરીરમાં કાંટા ભોંકી જાણે અસ્વસ્થ બનાવી દીધું. છાતી પર જાણે બોજો નાંખ્યો હોય તેને ઉપાડવા અસમર્થ હું જાણે તે પ્રેમી મહાત્માનું અનુકરણ કરતી હોઉં તેમ મૂછ ખાઈ ઢળી પડી. કેટલોક વખત પડી રહી.
થોડીવારે ઉઠી. “બસ, હવે આથી બીજું શું સાંભળવું ? સાંભળી લીધું !!” આ વિચારે તે વાતની સમાપ્તિ સાંભળ્યા વિના જ ત્યાંથી ઉઠી ચાલતી થઈ ગઈ. તપોવનની બહાર નીકળી ગઈ.
૧. મરણ, ૨. મુછ