________________
૫. પ્રિયનો કુશળપત્ર
એવામાં તો તરંગલેખા આવી પહોંચી. આવતાની સાથે જ કોઈ દિવસ નહીં ને મને તો ઉઘડી લીધી. ઘાંટા પાડી પાડી મેંણા મારવા લાગી—“અલી તોફાની ! તું અહીં ક્યાં આવી? તારે આવવાનું કામ શું હતું ? તારૂં અહીં કોણ છે ? આ કુબુદ્ધિ તને કોણે સુજાડી ? જંગલીઓના પ્રચારથી દુષિત આ જંગલમાં સ્વચ્છંદ રીતે એકલી ફરતાં તે મુનિજનોથીયે શરમાઈ નહીં ? વેરણ ! તે તો મને દુનિયામાં ચાવી કરી. રસ્તામાં કોઈ દુષ્ટ પ્રાણીએ ફાડી ખાધી હોત તો હું ક્યાં જાત ? શું થાત ? કયા તીર્થમાં જઈ એ પાપ ધોત ? મોઈ હું પાપીણી જ તારી સાથે કાં આવી ? હવે તો હું શું કરું ? ક્યાં જાઉં ? કોને કહું ? તારી ચપળતા શી રીતે રોકવી ? ઘણુંયે ધ્યાન આપું છું તોય કોણ જાણે ક્યારે તપોવનમાંથી નીકળી ગઈ ? ઋષિઓના મનમાં મારી આ ભૂલ કેવી વસશે ? કુલપતિ ખીજશે તો તેને કઈ રીતે શાંત કરવા ?
ઘૂંટણપર માથું મૂકીને નીચું જોઈ નકામી કેમ બેઠી છો? ઉઠને, ચાલ આશ્રમમાં, શીયળવતી ! જોયા તારા ઢંગ.” એમ કહી મૂળમાંથી મારો હાથ પકડ્યો.
ઉઠાડીને થોડા પગલાં મહામહેનતે મને ધધડાવી ને ચાલવા લાગી. મારામાંથી ચૈતન્ય ઉડવા લાગ્યું હતું, આમ તેમ રાંટા જેમ તેમ પગ પડવા લાગ્યા. તે જોઈ તરંગલેખા ગભરાણી, બે બાકળી થઈ, પાછી મને ઝાડતળે બેસાડી, ને રાડો પાડી પાડી મને કહેવા લાગી-“એ મલયસુંદરી ! ઓ મલયસુંદરી !! આમ