________________
૪. રમણીય રજની
અહીં કોણ એનું અંગત હશે ? મારી બધી ગુપ્ત વાત જેની પાસે એ જાહેર કરે છે. આ અમૃત જેવો સ્પર્શ મને કોનો થાય છે ?'
ધીમે ધીમે આંખ ઉઘાડી. ચંદ્ર કિરણોરૂપી લાકડીથી અંધકારને હાંકી કાઢ્યો હતો. વાવ જાણે જ્યોત્સના જળમાં ડુબી ગઈ હતી. વાવમાં પાણી ભરપુર ભર્યું હતું, તેના તરંગો કિનારાની શીલાઓ સાથે અફળાતા હતા. વાવને કાંઠે સુકુમાર રેતાળ ભાગમાં બેઠેલા કોઈના ખોળામાં હું સુતેલી હતી. જેના ખોળામાં હું સુતી હતી તે પુરૂષરૂપે અમૃતનો ટુકડો હોય એમ જણાતું હતું. તેણે વિયોગીનો શૃંગારિક વેષ પહેર્યો હતો. કડાં, બાજુબંધ, કુંડળ વગેરે પુરૂષોચિત આભૂષણો કીમતી ઝવેરાતના પહેર્યા હતાં. ગળામાં ફૂલોની માળા પહેરી હતી, તે જાણે સમુદ્રમાં પડતી વખતે સ્પર્શ સુખના લોભથી નદીઓ વળગી આવી હોયની શરીર પરનો સુગંધી ચંદનનો લેપ વિયોગથી થયેલ ફીકાશમાં વધારો કરતો હતો. કાન પર લીલા રંગનું કર્ણાવતંસ મૂક્યું હતું. મારે હાથે છાંટેલ હરિચંદનના છાંટણાવાળું તેજ ચીનાઈ વસ્ત્ર પહેર્યું હતું. પેલી એ જ સાચવી રાખેલી દિવ્ય કુસુમોની માળા સિદ્ધવિદ્યાની પેઠે જીવન બચાવવા શીખા પર બાંધી રાખેલી હતી. તેની આંખમાંથી અત્યન્ત ઠંડા આનંદાશ્રુ નીચે ટપકતાં હતાં.
તેઓ મને ખોળામાં રાખી નવા નવા કેળના પાંદડાથી વાયરો નાખતા હતા. કમલિનીના પાંદડાં પાણી છંટકોરી છંટકોરી મારા શરીરે મૂકતા હતા. હથેળીમાં ચંદનવૃક્ષની ટીશીઓ ચોળી