________________
૧૭૧ મળજે. જીતેલું ધન વગેરે તેમને સોંપજે. લુંટમાંથી મળેલા તાડપત્રના પુસ્તકો પડીતોને એકઠા કરી વહેંચી આપજે, ને બીજું જે જે મારે કરવાનું હોય તે તું તારું ધ્યાન પહોંચે તેમ કરી લેજે. હું અહીંથી એક પગલું પાછો આવવાનો નથી. મને આણે અહીં જ બાંધી લીધો છે. આ માળા પહેરીને બંધુઓને મુખ બતાવી શકું તેમ નથી. હવે હું તને હાથ જોડું છું. મને છાવણીમાં આવવાનો આગ્રહ કરીશમાં. ત્યાં લઈ જવાથી શો ફાયદો છે ? ત્યાં આવીને પણ બે ત્રણ દિવસે જ પ્રાણો પ્રયાણ કરી જશે. આ દિવ્ય મંદિરથી પવિત્ર ભૂમિવાળા સમુદ્રના ભાગમાં, મારા પરના પ્રેમને લીધે કરેલી તેની ચેષ્ટાઓ પ્રતિબિંબ રૂપે જોઉં છું, અને તેથી જ આ માળા સહિત તેની છાયામૂર્તિને આલિંગન આપી આ પાપી પ્રાણોનો મોક્ષ કરવો વધારે ઉચિત માનું છું.” એમ કહી સમુદ્રને પ્રણામ કર્યો
“અરે ! કુમાર ! આ શું ધાર્યું ? સાહસ ન કરો સાહસ. થોડીવાટ તો જુઓ, અરે પણ વાતતો સાંભળો.” આ પ્રમાણે પેલો ખલાસી બોલતો જ રહ્યો, ને તેણે તો સમુદ્રમાં પડતું જ મૂક્યું.
મેં પણ મરણનો નિશ્ચય કર્યો-“સમુદ્રમાં જ એમને મળી લઉં, ને જીવિત સફળ કરી પ્રાણોનો ત્યાગ કરૂં” આંખ મીંચી કિલ્લા પરથી સમુદ્રમાં કુદી પડી.
આંખ ઉઘાડીને જોઉં તો, ન તે પર્વત, ન તે મંદીર, ન તે સમુદ્ર, ન તે રાજકન્યાઓ, ન પેલા રાજકુમાર, ન તેને બહાર કાઢવા મથતા ખલાસીઓ, પણ સાંજે જ જે અગાશીમાં મારી પથારીમાં હું સુતી હતી ત્યાં જ મેં મારું શરીર જોયું.