________________
૧૩૮
તેથી કાનને નકામાં માનતો હતો. આખો મીંચતો ત્યારે ચારે તરફ એ જ મૂર્તિ દેખતો હતો. તળાવ કિનારે લતામંડપમાં ચક્રવાક માફક એકલો નિદ્રા વિનાનો મને જોઈ દુઃખી થતી રાત્રી ચંદ્રરૂપી ફીક મુખે ચાલી ગઈ.પ્રાત:કાળ થયો એટલે ઉઠીને પાછો તેવી જ રીતે તે મૃગાક્ષીને શોધવા પગલા જોતો જોતો ચાલ્યો.
પગલાંઓ કેટલેક સુધી આગળ ચાલ્યા, ને પાછા વળ્યા, ઉપરથી પરાગની ધૂળ બાદ કરી બરોબર તપાસ કરી તો પહેલા પ્રમાણે જ સંપૂર્ણ લક્ષણે સ્પષ્ટ દેખાતા હતી. કોઈ જગ્યાએ ઉતાવળથી મૂકેલા હતા. કોઈ જગ્યાએ ધીમે ધીમે મૂક્યા હતા. કોઈ કોઈ પગલાઓ આડ માર્ગે હતા, કોઈ કોઈ માર્ગમાં પણ હતા. રેતીવાળા ભાગમાં સીધા લાઈનબંધ હતાં. દર્ભના ભાઠામાં આડા-અવળા હતા. ટેકરા પર છુટા-છવાયા જણાતા હતા. ઝાડના મૂળમાં વળેલા હતા. કાદવવાળા ભાગમાં વાંકા ચુંકા હતા. નદી ઉતરવાની જગ્યાએ કોઈ કોઈ જ જણાતા હતા. પત્થરવાળી જમીનમાં તો હતા જ નહીં. આ રીતે તે એલામંડપની આજુબાજુ પગલાઓ ઘણી વખત તપાસ્યા. છેવટે થાક્યો એટલે એક ઝાડ નીચે શરીરના સાંધા ઢીલા થઈ જવાથી પછડાઈ પડ્યો. આંખે અંધારા આવી ગયા. પછી મનમાં વિચાર થયો-“શું કરું ? કોને પૂછું ? ક્યાં જાઉં ? નિર્જન જંગલમાં એકવાર ફરીથી કઈ રીતે એને જોઉં ?” એમ વિચાર કરી આશામાં ને આશામાં ઉભો થયો. એક ઉંચા ટેકરા પર ચડી ચારે તરફ જોવા લાગ્યો.