________________
સપ્તમ પરિચ્છેદ ૧. જિનયાત્રા મહોત્સવ
“દક્ષિણ દિશામાં સમુદ્રની નજીક કાંચી નામે નગર છે. તેમાં કુસુમશેખર નામનો રાજા રાજ્ય કરે છે. તેને ગંધર્વદત્તા નામે પટ્ટરાણી છે. તે કદી વાર્તાવિનોદમાં પણ હોઠના પુડીયા વિકસાવી હસ્યા નથી. ઘરની નદીના હંસોની પાછળ પણ ઉતાવળા દોડ્યા નથી. પાંજરામાં બેઠેલી મેનાઓ સાથે પણ વાતચીત કરતા નહીં. તિલકના ઝાડ તરફ પણ કટાક્ષથી જોતા નથી. તેનો જન્મ વિદ્યાધર વંશમાં થયેલો છે. તેઓને શોકનું કારણ હું એક જ પુત્રી થઈ.
જ્યારે મારો જન્મ થયો ત્યારે વસુરાત નામના નિમિત્ત શાસ્ત્રજ્ઞ મારા પિતાને કહ્યું હતું
આ કન્યા ભાગ્યશાળી છે. ઘણું સુખ પામશે. આવા સુંદર લગ્નમાં એનો જન્મ થયો છે. તેથી જે આનો પતિ થશે, તે ચક્રવર્તીના હાથ તળે આખા ભરતખંડનું–હેમકૂટથી માંડી સમુદ્ર સુધી રાજ્ય કરશે.”
આ વાત સાંભળી દરેક શહેરવાસીઓ અને મારા કુટુંબીઓ ઘણા જ ખુશી થયા. ને શહેરમાં મહોત્સવ પ્રવર્યો. દર દિવસ પુરા થયા એટલે મારું નામ મલયસુંદરી પાડ્યું. અનુક્રમે મેં યુવાવસ્થામાં પ્રવેશ કર્યો.