________________
૧૩૩
તે ભયથી દિશાઓમાં વારંવાર દૃષ્ટિ ફેંકતી હતી. રક્તાશોકની તળે ઉભી હતી. સ્વચ્છ કાન્તીરૂપ જળના તરંગોવાળા અંગમાં એકીસાથે પાસેના વેલડીઓના ફૂલોનું પ્રતિબિંબ પડતું હોવાથી ‘લતા’ હોય એવી જણાતી હતી. તે થોડા જ દિવસો થયા યૌવન પામી હોય એમ જણાતું હતું. દૃઢવેઢાવાળી અને નખોની લાલાશથી લાલ મુખવાળી આંગળીઓ દ્વારા પીધેલ અળતાના રસને ચરણયુગ વડે ફીણસહિત વમતી હતી. નૂપુરના લુમખાઓના કિરણો (કરો) ઉપરના ભાગમાં સાથળ પર ફરતા હતા. એક તરફ કાંતિજળથી ભરેલું નાભિમંડળ રૂપ સોનાનું વાસણ પડ્યું છે, ને બીજી તરફ સાથળ રૂપી બે ગોળ ભાષાં આવી રહ્યાં છે, વચ્ચે જાણે કામદેવને નિશાન તાકવાનું પાટીયું હોયની તેવા માંસ ભરેલ જઘન ભાગને ધારણ કરતી હતી. તેણીના શ્વાસની સુગંધથી લોભાઈ ભમરાઓ પુષ્પના ગુચ્છાઓ છોડી દઈ તેના તરફ આવવા લાગ્યા હતા. એક હાથમાં પુડીઓ હતો, અને બીજા હાથે ફૂલ ધીમે ધીમે વીણતી હતી.
આવું લાવણ્યમય અંગ જોઈ હું આશ્ચર્યમાં પડ્યો. ખરેખર રાહુના મુખમાંથી છટકી ગયેલ આ ચંદ્રની કળા છે ? મંથનના ભયથી નાશી છુટેલ આ સુધા હશે ? શંકરના તૃતીય નેત્રની જ્વાળાથી સળગી ગયેલ કામવૃક્ષમાંથી નવી કેળ ઉગી જણાય છે. શી ચપળ એની આંખો ? કાન સુધી લંબાઈ છે. તે જાણે કાનને પૂછતી હોય કે ‘કોઈપણ યુવતીની આંખો અમારા જેવી હોય એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?'
આમ ખુબવાર મેં તેને નિહાળી, પછી તેની કંઈક કહેવાની ઈચ્છાથી તેની સામે જોયું.