________________
૧૦૬
મળી કે “આગળ ઉપર ઘોડાઓ ચાલી શકે તેમ નથી.” એટલે ત્યાંને ત્યાં પડાવ નાંખી કેટલાક પગપાળાઓને શોધવા જવા હુકમ આપી દીધો. રસ્તામાં ઝાડ નીચે કેટલાક ભૂખ્યા તરસ્યા પોતાના માણસો સાથે બેસી રસ્તે ચાલતા મુસાફરોને મિત્રના સમાચાર પૂછતો, એમ ને એમ આખો દિવસ પુરો થયો, સાંજ પડી એટલે ખિન્ન ચહેરે મુકામે આવી આખી રાત ચિંતામાં ને ચિંતામાં ગાળી. સવારે ઉઠી ફરીથી તે જ ઝાડ નીચે જઈ શોધવા ગયેલા માણસોની રાહ જોતો બેઠો.
સાંજ પડવા આવી તેવામાં વિલે મોઢે પાછા આવતા તેઓને દૂરથી જોયા. એકબીજાની પાછળ પાછળ ભરાતા નજીક આવ્યા, પ્રણામ કર્યો નહીં કે તુરત પુછ્યું
“ભાઈઓ ! કેમ ગભરાઓ છો ? ખુશીથી નજીક આવો. તમારી આંખમાંના આંસુએ જ મને કહી દીધું છે કે, તમે તે હાથીને જોઈ શક્યા નથી. તો પણ એટલું તો પૂછ્યા વિના રહેવાતું નથી કે-“એ દુષ્ટ પ્રાણીનો માર્ગ જોયો ?”
તેઓ ગદ્ગદ થઈ બોલ્યા
યુવરાજ ! ગમન માર્ગ જ જોયો એમ નથી, પણ અમે પાપીઓએ તે દુષ્ટ હાથીને પણ જોયો. પાછો વાળવાની આશાએ તેની પાછળ દોડ્યા. પણ જેને શોધવા ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કષ્ટ સહન કર્યું. ‘લાવીને આપને સોંપીશું એવી આશા જેના માટે અમે ધારી હતી તે કુમાર જ અમે ન જોયા.” એમ કહી તેઓ રોવા લાગ્યા.
સમરકેતુ-“ભાઈઓ ! તમે શું કહેશો? સાંભળવાનું સાંભળી લીધું. બસ કરો. હું એક શબ્દ પણ સાંભળી શકતો નથી.”