________________
૩. મિત્રની શોધમાં
સ્નાન, પૂજા વગેરેથી પરવારી દરેકની સાથે ભોજન લીધું. પછી થોડીવાર સુતો, ને ત્રણ ત્રણ દિવસના ઉજાગરાથી થયેલ સુતિ દૂર કરી. જરા જાગી શય્યાપાળક પાસે પેલો કુમારનો કાગળ માગ્યો. તરત જ તેણે પત્ર આપ્યો. હાથમાં લઈ પ્રેમથી ફરી ફરી વાંચવા લાગ્યો ને વિચાર્યું કે-“આ કાગળ કુમારે પોતાને જ હાથે લખ્યો છે. શાહીને બદલે પહાડી ધાતુના રસથી લખ્યો છે. ને ઉપર સ્વર્ણરેતીની રજ નાખી છે. તાડપત્ર પણ તાજું જ છે. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે કોઈ દિવ્ય સ્થળેથી પત્ર લખ્યો જણાય છે.
પણ ચોક્કસ ઠેકાણું કેમ નહીં જણાવ્યું હોય ? એમ તો નહીં ધાર્યું હોય કે –“સમરકેતુને મારા પર પ્રેમ છે, વખતે મને ગોતવા નીકળી પડે, ને અનેક જાતના કષ્ટ સહન કરે.” કેવો ભોળો છે ? મારું અંતઃકરણ કેવું છે, તે એ જાણે છે કેમારા વિના એક ક્ષણવાર પણ રહી શકે તેમ નથી. મારું ઠેકાણું નહી મળે તો આખી પૃથ્વીમાં ફરી વળશે.” ઠીક, હવે વધારે વિચાર કરવાની જરૂર જ નથી. મને હુકમ કર્યો છે છતાં હું અહીં સૈન્યનું રક્ષણ કરવા રહેવાનો જ નથી. વળી કુમારની સાથે નીકળ્યો છું, તેથી કુમાર વિના અયોધ્યામાં જઈને વિહ્વળ થયેલા મહારાજને મુખ પણ બતાવવું નથી, ને તેમને આશ્વાસન પણ આપવું નથી. અહીં નકામું કેમ બેસી રહેવું છે. હાથી ગયો તે રસ્તે વૈતાઢ્ય તરફ જાઉં, ને તેની નજીકના ગામો, વનો, જંગલો, શરેહો, નદીઓ, પર્વતો, આશ્રમો ને બીજા પણ રમ્ય સ્થળોમાં મિત્રની તપાસ કરું. સતત મહેનત કરવાથી ક્યાંકથી