________________
૧૧૧
પક્ષપાત જે કોઈ દેવ, દૈત્ય, કે વિદ્યાધરે કુમારનો પત્ર લાવી આપી અમારા ઉપર ઉપકાર કર્યો છે, તે ફરીને એકવાર અમારા ઉપર દયા લાવી પ્રગટ થઈ જણાવો કે કાગળમાં લખેલ તે કઈ અટવી ? અટવીના કયા ભાગમાં કુમાર રહે છે ? કયે રસ્તે ત્યાં જઈ શકાય ? એ અમારી જીજ્ઞાસાઓ પુરી પાડો, અને આ કાગળમાં તેઓશ્રીના ચરણકમળમાં હજુર પહોંચાડી આપો.''
એ પ્રકારે બે વાર ઉચ્ચાર કર્યો. ત્રીજી વાર ઉચ્ચાર કરતાંની સાથે જ પાસેના ઝાડ પરથી એક સુંદર પોપટ ઉડી આવ્યો. નીચે ઉતરી સર્વના દેખતા ચાંચમાં કાગળ લઈ આકાશમાં ઉત્તર દિશા તરફ ઉડી ગયો.
“અરે આ પોપટ કોણ ? કેમ આવ્યો ? કેમ કાગળ લઈ ગયો ? ઉત્તર દિશા તરફ કેમ ઉડ્યો ? આ તે પોપટ હશે? કે કોઈ દેવ હશે ?'’
આ રીતે અમે દરેક વિસ્મય પામ્યા, તરત જ સેનાપતિએ મારી સામે જોયું ને કહ્યું
“પરિતોષ ! વેલો થા. જલ્દી જા, જ્યાં કુમાર સમરકેતુ છે ત્યાં. વિસામો લીધા વિના જેમ બને તેમ જલ્દી જઈ શોક નિવારક આ પત્ર તેમને આપી આવ, અને આ આશ્ચર્યકારી પોપટનો બનાવ કહેજે. અત્યન્ત ભક્તિ, બહુમાન અને પ્રેમને લીધે કોણ જાણે શુંયે કરી નાંખશે. જા, ભાઈ, ઝટ જા.''
એમ કહી પોતાને હાથે મને આ પત્ર આપ્યો. હું પણ હર્ષમાંને હર્ષમાં રસ્તો કાપી આપના ચરણકમળમાં હાજર થયો છું.’ એમ કહી તે ચુપ રહ્યો.