________________
૧૧૭ તેને જાણવાની જીજ્ઞાસા થઈ આવી, તુરત ઉભો થયો અને ઉંચા ટેકરા પર ચડી ચારે તરફ જોવા લાગ્યો. ઘાટા જંગલ તરફ નિહાળી નિહાળીને જોયું પણ કાંઈ જોઈ શક્યો નહીં.
શું હવે અહીં જ સરોવરની આજુબાજુ ફર્યા કરું ? ના ના એમ તો નહીં. મારું કામ જ કરવું જોઈએ ? માણસે જે કામ માથે લીધું હોય તે પાર પાડવા અચળ થવું જોઈએ. થાક ઉતરી ગયો છે. પગમાં જોર આવ્યું છે, માટે પંથ કરવામાં અડચણ નથી. રસ્તો પણ સારો છે. આજુબાજુ ધ્રો ઉગી રહી છે. આ કાળું નવીન મેઘ જેવું સામે જંગલ દેખાય છે. દિશાઓ પ્રસન્ન છે. મંદમંદ પવન વાય છે. આજનો દિવસ જ આનંદમય ભાસે છે. આ સરોવરને સામે કાંઠે જોવા જવાનું મન થઈ જાય છે. હજુ ખરા બપોર થયા નથી. ધામ પણ બહુ થતો નથી. તો ચાલ, થોડોક રસ્તો કાપું. બપોર થશે એટલે કોઈ ઝાડ નીચે, કોઈ નદી કિનારે, કોઈ આશ્રમમાં કે કોઈ તળાવને કિનારે વિસામો લેઈ ફળમૂળાદિ ખાઈ સાંજેકના ચાલશું કે ત્યાં ને ત્યાં રાતવાસો કરીશું.'
જવા માટે નિશ્ચય કરી ફરી લતા મંડપમાં આવી વસ્ત્રો બરોબર પહેરી લીધા, વાળ બરોબર સમારી દીધા, હાથમાં તલવાર લઈ લીધી, ને ઝપાટાબંધ સરોવરના પૂર્વકિનારે થઈ ઉત્તર દિશા તરફ વળ્યો. એ દિવ્ય ભૂમિમાં પ્રાતઃકાળનું સુંદર પ્રાકૃતિક દૃશ્ય જોતો જોતો તે ઉત્તર કિનારા પર પહોંચ્યો. તેવામાં નજીક જ એક સુંદર બગીચો જોયો, ને તેમાં ગયો. આગળ ચાલતાં કલ્પવૃક્ષોનો એક મોટો ખંડ જોયો. તેના મધ્યભાગમાં એક સુંદર દેવમંદિર છે.