________________
( ૬. પ્રિય મિત્ર સમાગમ
થોડેક દૂર ગયો એટલે દૂરથી જ ઘોડાઓ જોયા. આશ્ચર્ય ચકિત થઈ વિચારમાં પડ્યો-“બરોબર, તળાવને કાંઠે હું સુતો હતો, ને ઉક્યો કે–તુરત જે વખતે ઘોડાઓનો શબ્દ સાંભળ્યો હતો, તે જ વખતે આ ઘોડાઓએ આ બગીચામાં પ્રવેશ કરેલો.” એમ વિચાર કરે છે. તેવામાં હરિવહન ઘેર આવેલ તેથી તેના આગમન મહોત્સવ પ્રસંગે ચાલી રહેલ સંગીતનો ધ્વની કાનમાં પેઠો. એ સંગીત સાંભળી ગાંડો-ઘેલો થઈ ગયેલો સમરકેતુ આમ તેમ ખોટું ખોટું જોવા લાગ્યો અને હર્ષથી ઢીલા થઈ ગયેલા પોતાના શરીરના અવયવો કાબુમાં ન રાખી શક્યો. ખરેખર તે વખતે સમરકેતુ પરાધીન હોય તેવો થઈ ગયો હતો. આગળ ચાલતાં જેના આંગણામાં અનેક વિદ્યાધર રાજાઓ આનંદ વાર્તાઓ કરી રહ્યા છે, તેવો દૂરથી ચોખણીયો કેળનો મંડપ જોયો.
તેની વચ્ચે કુરૂવિંદમણિની શિલા પર લુગડું પાથરી બેઠેલા હરીવાહનને જોયો. તેણે ચંદનનો લેપ કર્યો હતો. તેણે બે ધોળા વસ્ત્રો પહેર્યા હતાં. હમણાં જ થયેલ અભિષેકનું પાણી હજુ સુકાયું નહીં હોવાથી જાણે પાણીના બિંદુઓ હોયની એવો હાર ગળામાં લટકતો હતો. બે બાજુએ બે ચામરગ્રાહીણી ચામર વિંઝતી હતી. તેની પાસે એક યુવતિ રાજકન્યા બેઠી હતી. તે કમળની પથારીમાં સુતી હતી. અરધું શરીર સખીના ખોળામાં રાખી તાજા કમળના તંતુઓના ઓશીકા પર હાથ ટેકવી બેઠી હતી.
ગંધર્વકે અગાઉ જઈ કહ્યું, “દેવ વધામણી ! કુમાર સમરકેતુ આવ્યા.”