________________
૫. ગાઢ મૈત્રી
રાજા આશ્ચર્યમાં પડ્યા. બન્ને ઉપર સરખી પ્રીતિ ઉત્પન્ન થઈ. વજાયુધની ભલમનસાઈ કે નમકહલાલી વિસરાય તેમ ન હોતી, તેમજ સમરકેતુનું શૌર્ય અને પોતાની તરફનો પૂજયભાવ પણ ભૂલાય તેમ નહોતો. તેને જલ્દી મળવાની ઉત્કંઠા થઈ આવી–“ઝટ જાઉં, મળું, ભેટી પડું, માન આપું, મારી જગ્યાએ સ્થાપી દઉં,' એવા એવા તર્ક થવા લાગ્યા.
“વિજયવેગ ! ક્યાં છે સમરકેતુ ? ક્યારે મળશે ?”
દેવ ! કુમાર સરયૂકિનારે છાવણી સાથે રહેલ છે. જ્યારે આપની ઈચ્છા થશે ત્યારે દર્શન કરી શકશે.” વિજયવેગે નમ્રતાથી કહ્યું.
ઠીક, હરદાસ ! કુમાર સમરકેતુને તેડી લાવ.” હરદાસ નામના મુખ્ય પ્રતિહારીને હુકમ આપ્યો.
હરદાસ ત્યાં જઈ સમરકેતુને મળ્યો, ને તેની સાથે ઉચિત વાતચીત કરી. મહારાજની પ્રીતિની ટુંકામાં હકીકત જાહેર કરી. અને સભામાં આવા વિજ્ઞપ્તિ કરી. કુમાર ખુશીથી આવવા તૈયાર થયો, અને બન્ને શહેરમાં સાથે આવ્યા.
થોડી વારે હરદાસે કુમારને સભામાં પ્રવેશ કરાવ્યો. સાથે સમાન વયના કેટલાક રાજકુમારો હતા. બીજા પણ કેટલાક આપ્ત પુરૂષોનો વર્ગ પાછળ હતો. રાજસભામાં પ્રવેશ કરવાના પોષાકથી કુમાર સજ્જ હતો.
રાજાએ જોયો કે તુરત “આવ ! આવ !” એમ દૂરથી