________________
૬) છડીદાર ચાલતો અને મેદનીમાંથી રસ્તો કરતો હતો. આવી રીતે હું રાજગઢમાંથી નીકળ્યો.
ઠેકઠેકાણે હું પ્રણામો કરતો તેથી પવિત્ર બ્રાહ્મણો મને આશીર્વાદ આપતા. પૌરવાસી લોકો પ્રણામ કરતાં. ડોશીઓ અક્ષતથી વધાવતી અને આંખમાં આંસુ લાવી આશીર્વાદના વચો અસ્ફટ રીતે ગણગણતી હતી. નગરનારીઓથી પ્રેમપૂર્વક જોવાતો હું ચૌટા વટાવી નગરની બહાર નીકળ્યો.
નગરની બાહ્ય શોભા જોતા જોતા અમે સીમાડે પહોંચ્યા. અમને જોવા ગામડાના લોકોના ટોળાને ટોળા આવતા હતા. કોઈ ઉકરડા પર, કોઈ તળાવની પાળ પર, કોઈ ઘરના છાપરા પર, કોઈ ઝાડ પર ચઢીને જોતા હતાં.
આગળ ચાલતાં કેટલાક ખંડેરો ઓળંગી અમે આગળ વધ્યા એટલે સમુદ્રના (હિંદી મહાસાગર કે લવણ સમુદ્રના) દર્શન થયાં ત્યાં સૈન્ય અટક્યું. મીઠાં પાણીની સગવડવાળા મેદાનમાં પડાવ નાખ્યો. તંબુઓ અને રાવટીઓ નંખાઈ. મારો તંબુ અને મારી સાથેના સામાનથી ભરેલી રાવટીઓથી વીંટાયેલ હતો. તેમાં હું ગયો.
ત્યાં રહીને સમુદ્ર પ્રયાણની કેટલીક વિશેષ તૈયારી મારે કરવી પડી. કેટલાક માણસોની સગવડ માટે વધારે વહાણો મંગાવ્યા. હું પ્રધાન સાથે “અમુકને આમ કહેવું, અમુકને આ રીતે હરાવવો.” ઈત્યાદિ વાતો કરતો હતો અને વિજયયાત્રાના ભાવિ પ્રસંગ પર વિચાર કરતો હતો. એમને એમ બે ત્રણ દિવસો ચાલ્યા ગયા.
ચોથે દિવસે સાંજે વિવિધ સામગ્રીથી સાગરની પુજા કરી.