________________
૭૨
રાતવાસો રહ્યાં હતાં, તે વખતે સંગીત સાંભળ્યું હતું. બીજા પણ કેટલાક ખલાસીઓ વાત કરે છે કે—અહીં ઘણીવાર આવી રીતે વાજીંત્રો વાગ્યા જ કરે છે. કંઈ નવાઈ નથી. પણ ક્યાં એ વાગે છે ? કોણ આ બધું કરે છે ? એ તો હજુ અજ્ઞાત છે.”
મારું મન બહુ થઈ ગયું. અવશ્ય જવાનો નિશ્ચય કર્યો ને ફરી મે કહ્યું- “મિત્ર, તને પણ જોવાનું મન થયું હોય તો, કેમ વાર કરે છે. ચાલ જઈએ. નુકશાનીથી ડરી જઈ મંત્રી માફક અર્થશાસ્ત્રની લાંબી લાંબી વાતો ન કરીશ, કે સહાય નથી, એ સ્થળ જોખમ ભરેલું છે, હાલ અવસર નથી, અમુક જાતની આપણામાં ખામી છે, વગેરે મૂશ્કેલી હોય કે ન હોય, પણ જવું એ તો ચોક્કસ. જઈને ત્યાંની હકીકત જાણવી એ પણ ચોક્કસ. ગયા વિના મન માને તેમ નથી, એ પણ ચોક્કસ. ઠીક, કદાચ હાલ તુરત મન મનાવી લઈશ, પણ મુકામે ગયા પછી મારું ચિત્ત એમાં ને એમાં રહેશે. મારો આખો દિવસ અસ્વસ્થતાથી પસાર થશે, એ પણ ચોક્કસ.
વતન ગયા પછી મૂસાફરીની હકીકત કહેવા જતાં સમુદ્ર મૂસાફરીનું વર્ણન કરતાં આ સંગીત મને યાદ આવ્યા વિના રહેશે ? તે વખતે મારું મન કેવું વીંધાઈ જશે ? તેની તને કલ્પના થાય છે ? તો એ ખાતર થોડો વખત ક્લેશ સહન કરવો સારો છે. શરીરે થોડો વખત કષ્ટ સહન કરવું સારું પણ મનમાં મરણ સુધી ક્લેશ રહી જાય તેના જેવું એકેય દુઃખ નથી. જો કે આ યાત્રા સર્વથા ક્લેશ વિનાની જ છે, એમ તું કહી શકે તેમ છે ? જરા વિચાર કર, કે-કષ્ટ આવવાનું હોય ને કંઈ લાભ મળવાનો જ ન હોય તો મન આટલું ઉત્સુક ન જ થાય.