________________
૩. નૂપુર ઝંકાર
હું આવાને આવા તર્ક વિતર્ક કરતો, મનમાં અનેક જાતની ચિંતાઓ કરતો હતો, ને વખત પોતાનું કામ કર્યે જતો હતો, રાત્રિ હવે વધારે બાકી ન હતી. અંધકાર હવે જરા પાતળો પડ્યો. તારાના ઝુમખાં ટુટવા લાગ્યા. ધીમે ધીમે પ્રકાશ ફૂટવા લાગ્યો. ત્યારે તે પર્વતની આજુબાજુએ અદ્ભૂત પ્રભા પ્રસરી રહી. તે મેં જોઈ. વિચાર કર્યો કે ‘આ શું છે ?' એમ વિચાર કરું છું તેવામાં પર્વત પરથી ઉડતું વિદ્યાધરોનું મોટું ટોળું જોયું. સપાટાબંધ ઉડતું અમારી તરફ આવ્યું. અમારા ઉપર ચાલવા લાગ્યું. થોડીવારમાં ચાલ્યું ગયું ને અદૃશ્ય થઈ ગયું. માત્ર એટલા શબ્દો સાંભળ્યા કે—આ કોણ છે ? ક્યાંથી આવ્યો હશે ? શું કરવા અહીં આવ્યો હશે ? કેમ અહીં એકલો આથડતો હશે ?'’
“તારક ! આ પ્રકાશ જે તરફથી જણાયો તે તરફ જ તારી હોડી ચલાવ.' હુકમ કરતાની સાથે જ તેણે હોડી ચલાવી તો દૂરથી પહાડ ઉપર સુંદર દેવમંદિર દેખાવા લાગ્યું.
મેં વિચાર કર્યો કે- “કાર્ય સાધવાની ઈચ્છાવાળા મનુષ્ય એકાંતથી કોઈપણ નીતિનો સિદ્ધાંત પકડી રાખવાની જરૂર નથી. ધાર્યું કામ પાર પાડવા કપાળે હાથ દઈ મચ્યા જ રહેવું જોઈએ. અનુકુળવિધ સહાય કરે તો સાહસિકની નીતિ હોય કે અનીતિ હોય પણ તે ખેતરની માફક ફળ આપે છે. બધા હાંસી કરે એવું મારું આ કામ મને તો લાભદાયી થયું છે. બીકણ થઈ જો અહીં સુધી ન આવ્યો હોત, તો આ મંદિર કેમ જોઈ શકત.