________________
૪૭
મન શાંત કર. તારી જે ઈચ્છા હશે તે થોડા જ વખતમાં અહીં પુરી કરવામાં આવશે.’’
રાજાએ મુખ ફેરવ્યું, ને સમરકેતુ સામે જોઈ રહેલા કુમાર હિરવાહનની સામે જોઈ કહ્યું
“બેટા ! આપણા કુટુંબીઓમાં સમાન ગુણવાળો કે અધિક ગુણવાળો પુરૂષ મારા જોયામાં ન આવ્યો તેથી આ કુમાર સમરકેતુને જ હું તારો મિત્ર બનાવું છું. તમારે બન્નેએ હંમેશા સાથે રહેવું. તારા નોકરો બધા એની આજ્ઞા ઉઠાવે એવો બંદોબસ્ત કરજે. દાનાદિક ક્રિયાથી પુન્યનો સંચય બન્નેએ સાથે જ કરવો. રાત્રે પણ સાથે જ રહેવું. કષ્ટ વખતે છોડી ચાલ્યા ન જવું. તારી સારી સ્થિતિમાં પણ એને પુરો આદર આપવો. સરખે સરખા મળો ત્યાં એની મોટાઈ વધારવી વિવાદમાં એનો પક્ષ લેવો. નવીન લાભ થાય તો સરખે ભાગે વહેંચી લેવો. મશ્કરીમાં કદી ટોણો ન મારવો. ખાનગી વાતચીતમાં તેને ભેળવવો. રીસાયો હોય તો જાતે માનાવવો. ઓછવમાં આગળ લ્હાવો લેવા દેવો. શરૂ કરેલ કામ પુરૂ કરવા તેના વખાણ કરવા ને ઉત્સાહ આપવો. કોઈ કામમાં વાદ ન લેવો. હમેશાં વિશ્વાસ રાખવો. આવી રીતે તારે તેનું મન મેળવવાનું છે. અને તમારી બન્નેની ગાઢ મૈત્રિ થાય તેમ ઈચ્છું છું એ જ તારો ભાઈ છે, મિત્ર છે, નૃત્ય છે, કે મંત્રિ છે.'' એમ કહી રાજા આસન પરથી ઉઠ્યાને.
“જેવી પિતાશ્રીની આજ્ઞા' એમ કહી સમરકેતુનો હાથ પકડી કુમાર પણ ઉઠી ઉભો થઈ બહાર નીકળ્યો ને મદિરાવતીને મહેલે ગયો.