________________
૨. મીઠી મશ્કરી
બિનપ્રસંગે સમરકેતુની આવી રીતે ભાત જોઈ દરેક સભાસદો આશ્ચર્યચકિત થઈ ગયા ને એકબીજા સામે જોવા લાગ્યા. “આ શું ? શું થયું હશે ?'' એમ ધીમે ધીમે પ્રશ્ન પૂછવા લાગ્યા. ‘‘કુમાર ! કેમ ચુપ બેસી રહ્યા છો ? કંઈ સમજી શકતા નથી કે શું ? બીકણ જણાઓ છો. અદેખાઈ તો નથી થઈને ?'' મીઠી મશ્કરીમાં ચતુર કલિંગ દેશના યુવાન રાજપુત્ર કમલગુપ્તે ટોળમાં પૂછ્યું; ને આગળ લંબાવ્યું—
‘કુમારની કાવ્ય વ્યાખ્યાન ચાતુરીના વખાણ કેમ કરતા નથી ? અમે તો વખાણ કરીએ છીએ, પણ જાડી બુદ્ધિના હોવાથી ઉપર ઉપરથી સારું સારું જોઈ વખાણ કરવા લાગ્યા છીએ. ખરૂં તત્ત્વ તો તમે જ જાણી શકો. માટે તમારા તરફનો અભિપ્રાય જાહેર કરો, તેથી કુમારને પણ પોતાના વ્યાખ્યાનની સન્યાસત્યતાનો નિશ્ચય થાય.
આંખમાં આંસૂ કેમ આવી ગયા ? નિસાસા કેમ નાંખો છો ? ‘પ્રિયાના વિરહથી બાપડો પેલો એ નાગરિક યુવાન બહુ હેરાન થશે.' એમ તેના ઉપર દયા આવી કે શું ?
પણ હું આપને પ્રશ્ન કરું છું કે એના એક ઉપર દયા બતાવવાથી શું ? આખી દુનિયા જ એવી છે. કેટલાકનો શોક કરશો ? જુઓને જ્યાં પ્રેમ ત્યાં સાથે દુ:ખ લાગ્યું જ છે, વિષયોપભોગ ઝેરી પરિણામો આપી રહ્યા છે, ધાર્મિક પ્રવૃત્તિ મનની ધારણાઓ નિષ્ફળ કરે છે, સર્વે શુભમાં વિઘ્ન તો આવ્યું જ સમજવું.