________________
પાછળ વિનયથી નમ્ર થઈ બેઠેલી હરખાતી મદિરાવતી સામું થોડીવાર જોઈ મુનિ મોં મલકાવી બોલ્યા
“રાજપુત્રી ! તમારા પતિને અરણ્યમાં જતા મેં અટકાવ્યા છે. અને અત્યન્ત દુષ્કર દેવારાધન કાર્યમાં લગાવ્યા છે. તમને પૂળ્યા વિના, તમારી સલાહ લીધા વિના આ મહાભાગના મનની નિયંત્રણા અને વિષયોપભોગથી અટકાયત કરી છે. તેથી અમારા ઉપર કોપતા નહિં. તમારું કલ્યાણ કરવામાં વધી જતી લાગણીનો જ એ અપરાધ છે, બુદ્ધિનો નથી. વળી વિદ્યા આરાધનનો કલ્પ એવો છે કે, તમારે હવેથી દૂર રહીને જ કેટલાક દિવસ પતિ સેવા કરવી.” | મુનિ એમ કહી રહ્યા એટલે શરમિન્દી રાણી ચંચળ નેત્રે પતિ મુખ જોઈ નીચું જોઈ ગઈ. તેને તેવા પ્રકારની વિલખી થયેલી જોઈ રાજા હસીને બોલ્યોઃ
ભગવન્! આપ વારંવાર કેમ એને દબાવો છો ? એકવાર કહ્યું ત્યારથી જ એણે બધું જાણી લીધું છે, અને મનથી સ્વીકાર્યું છે. આજથી આપના કહ્યા પ્રમાણે એ વર્તશે. બહુ દાક્ષિણ્યતાવાળી છે. સામાન્ય જનનું પણ વચન માન્યા વિના રહેતી નથી, તો આપ જેવા મહા તપોધનનું વચન સવિશેષ માન્ય કરે તેમાં શી નવાઈ ? વળી મારા ધારવા પ્રમાણે આપે એનો વિચાર પણ જાણવો ઘટે છે, કે જેથી આપે કહેલી બાબતનો એણે સ્વીકાર કર્યો કે નહીં ? તેનો નિશ્ચય થાય. અથવા એને ઉપદેશ આપવાની જરૂર જ નથી. એ તો વનમાં જવા તૈયાર થઈ છે. એ વનમાં ગઈ એટલે દેવારાધન કર્મ મારે નિર્વિઘ્ન હંમેશાં ઘેર ચાલશે.” એમ બોલતા રાજા સામે કટાક્ષ ફેંકી