________________
૨૪ કલ્પવૃક્ષ સાથે જન્મ્યા છો માટે જંગમ કલ્પલતા છો. સચેતન ચિંતામણી રત્ન છો.
પ્રસન્ન થયેલા તમે શું નથી આપી શકતાં ? તમે ખરેખર આરાધકોનું કલ્યાણ કરી જ શકો છો. પણ તમે જે ઉત્તમ પ્રકારની ચીજો ગણાવી તેમાં મારું મન જરા યે નથી. મને તેમાંની કોઈપણ વસ્તુની જરા પણ જરૂર નથી. પૂર્વભવનાં સુકૃતથી મળેલ આટલા વૈભવથી જ મને સંતોષ છે. મને કોઈ પણ દિવ્ય સુખની ઈચ્છા જ નથી. માત્ર મારા ઉપર પ્રસન્ન થયા હો, અને મને ઈષ્ટ આપી કૃતાર્થ કરવા ચાહતા હો તો ઈક્વાકુ રાજાઓમાંનો હું છેલ્લો રાજા ન ગણાઉં, તેમજ મારી રાણી મદિરાવતીની વીરપુત્રજનનીમાં ગણતરી થાય, એવું કરો.” એમ કહી જરા શરમથી રાજાએ નીચું જોયું. દેવી મંદમંદ હસીને બોલી –
રાજન્ ! મદિરાવતીમાં તે પુત્રની માંગણી કરી એ હું સમજી છું, પણ પુછવાનું એ જ કે–આવી રીતે લાંબુ લાંબુ બોલવાનું શું કામ છે ? “મદિરાવતીને પુત્ર આપો.” એમ જ કહેવું જોઈતું હતું. કદાચ સ્પષ્ટ બોલવાથી આ વાત તારી બીજી રાણીઓ જાણી જાય અને પુત્ર માગવા અમારી પાસે આવીને કદાચ અમને અકળાવે, આ શંકાથી આમ કરવું પડ્યું છે ? પણ મારા પરિજનમાં તારો કોઈ શત્રુ નથી, કે જે બીજી રાણીઓને કહે ને તારા ઉપર કોપ કરાવે. માત્ર આ મહોદરથી ચેતવાનું છે. પણ તે ગુપ્ત રીતે વાત કરી છતાં તારા વાક્યનો તાત્પર્યાર્થ એણે જાણી લીધો છે. એ ચપળ બધી વાત કહી દેશે, ને એ કુતુહળી તારા ઉપર દરેકની રીસ ચડાવડાવશે. બહુ મહેનત બચાવ કર્યો છતાં કષ્ટ આવી પડ્યું !”