________________
૨૫
રાજા મશ્કરી સાંભળી જરા હસી મસ્તક ઉંચું કરી બોલ્યો“દેવી ! સીધી રીતે કહેવામાં જરા શરમ આવી, તેથી આવી રચનાથી બોલ્યો, નહીં કે ભયથી. બાકી પુરંદરથી પણ બીતો નથી તો મહોદરથી તો કેમ બીઉં ? શું વાટ જુવે છે ? કાલ જતો હોય તો ભલે આજ જાય. ગુપ્ત વાત એના પેટમાં ન ટકતી હોય તો તેઓને આ બધી વાત કહે. શોક્યના ઉપર અદેખાઈને લીધે ભલે બધીએ રીસાય, ભલે પુત્રની માંગણી કરે. રીસાઈને કરશે શું? હું મનાવવાનો નથી. માત્ર તમે આરાધક ઉપર જલ્દી ખુશી થઈ જાઓ છો. તેથી તમારી મને ચિંતા થાય છે. મિંદરાવતી માફક તેઓને પણ તમારે પુત્ર આપવો પડે. તેની પીડા તમને છે. મને તો કાંઈ નથી. મને તો તમે નકામો બીવડાવો છો.''
દેવી-‘રાજાજી ! બસ કરો. મશ્કરીમાં તમે મને જીતી લીધી. પણ તમે ચતુર છતાં છેતરાઓ છો. કેમકે મારી આટલી બધી મહેરબાની છતાં તમે કંઈ વિશેષ માગતા નથી. ઠીક, જે થયું તે ખરું. તમને ગમ્યું તે ખરું.
મારા પ્રસાદથી થોડા વખતમાં તમારે પુત્ર થશે. તે પણ ભુવનમાં પ્રસિદ્ધ થશે. દરેક રાજા મહારાજાઓ તેના ચરણકમળમાં પ્રણામ કરશે. તેના અંતઃપુરની રાણીઓની સેવા અઢાર દેશના ખંડીયા રાજાઓની સ્ત્રીઓ કરશે. તે ચારે સમુદ્રને કાંઠે આવેલા પર્વતોના શિખર ઉપ૨ જયસ્તંભ રોપશે. પોતાના પ્રતાપથી જ પૃથ્વીનું રાજ્ય કરશે, અને આગળ વધીને વિદ્યાધરોનો પણ રાજા થશે. જેના રાજ્યાભિષેક વખતે બે શરીર ધારણ કરી આઠ હાથ વાળી બન્ને બાજુએ હું ખુદ ચામર ઢાળીશ.''