________________
૪૨
સ્થિતિમાં પોતાને જોઈ શરમાઈ જઈ વળી પાછો દુઃખથી મૂર્છા ખાઈ ઢળી પડ્યો.
તેનામાં ચૈતન્ય જોઈ દંડનાયક બહુ જ ખુશ થયા, ને કુમારના સૈનિકોને ભયથી નાસતા જોઈ અભય પડહ વગડાવ્યો. આપણા સિપાઈઓ તો લુંટ ચલાવવા લાગી પડ્યા હતા તેઓને અટકાવ્યા, ને ઘવાયેલા યોદ્ધાઓના પાટા-પીંટી કરવા યોગ્ય માણસોને હુકમ આપી દીધો.
ત્યાંથી હાથી ઉપર બેસી સમરકેતુ સાથે પોતાની છાવણીમાં દંડનાયક આવ્યા. પોતાના જ મુકામે સમરકેતુને લઈ ગયા. ત્યાં બન્નેએ સાથે ભોજન લીધું, ને સેનાપતિએ પોતાને હાથે તેના શરીરે ઘા વાગ્યા હતા ત્યાં ઔષધીનો લેપ કયો.
થોડા દિવસ સારા વૈદ્યોની દેખરેખ નીચે તેના શરીરની ચિકીત્સા કરવાની ગોઠવણ કરવામાં આવેલી હોવાથી તે તદન સાજો થઈ ગયો.