________________
૩૩
રાજા બારણા તરફ જોઈ રહ્યો. થોડી વારે એક ઉત્તમ વેષ અને આકૃતિવાળા પુરૂષે પ્રવેશ કર્યો. દૃષ્ટિ પડતાની સાથે જ તેણે નીચા નમી પ્રણામ કર્યા.
“આવ ! આવ !! વિજયવેગ આવ !!!'' રાજાએ આદરથી બોલાવ્યો.
વિજયવેગે આસન લીધું. રાજાએ ફરી પૂછ્યું. “કેમ છો વિજયવેગ ! દંડનાયક કુશળ છે ને ?''
“મહારાજ ! બહુ જ સારી રીતે કુશળ છે. આપને પ્રણામ કહેવડાવ્યા છે, ભીમ, ભાનુવેગ વગેરે મુકુટધારી રાજાઓએ પણ આપને પ્રણામ કહેવડાવ્યા છે.' જરા આગળ આવી હાથ જોડી વિજયવેગે કહ્યું.
વિજયવેગ—“હજુર ! આપે દંડાધિપતિ તરફ જે એક વીંટી મોકલી હતી તે તેણે આજદિન સુધી પોતાની પાસે રાખી હતી. દક્ષિણ દેશ તાબે કર્યા પછી મને સોંપી દીધી. હું અહીં લાવ્યો છું ને તે મહોદધિને સોંપી છે.''
રાજા–“એ સેનાપતિને કંઈ કામે લાગી ? એથી કંઈ એમને લાભ થયો ?''
વિજયવેગ–“દેવ ! એણે જે લાભ આપ્યો, ને ઉપકાર કર્યો તે કોણ કરી શકે તેમ છે? સાંભળો મહારાજઃ–
ગયે વર્ષે શરઋતુમાં આપણા કટ્ટર દુશ્મન કુસુમશેખરને શિક્ષા કરવા સેનાધિપતિએ કુંનિપુરથી કાંચી તરફ પ્રયાણ કર્યું; ને કાંચી જઈ પહોંચ્યા. કુસુમશેખર લડી શકે તેમ તો હતો જ નહીં, માત્ર બધી સામગ્રી એકઠી કરી કિલ્લામાં જ ભરાઈ રહ્યો.