________________
૨૮
ભંડારી તરફ જોયું. તુરંત જ હાથ જોડી નમ્ર થઈ આવ્યો ત્યારે તેને કહ્યું કેઃ
‘મહોધિ ! આ હાર સાચવીને ભંડારમાં મુકો. આ વીંટી, મર્યાદા ઓળંગી ગયેલા ઉદ્ધત રાજાઓને શિક્ષા કરવા ગયેલ સેનાપતિ વજાયુધને મોકલો, અને તેની પાસે રહેલ વિજયવેગને કહેવું કે—“વિજયવેગ ! આ વીંટી રાતના ભયંકર યુદ્ધ પ્રસંગે કે સંકટ સમયે તારે વજાયુદ્ધની આંગળીમાં પહેરાવવી. જાઓ.'' મહોદધિ—જી, એમ કરીશ.''
રાજા પરિવાર સહિત બધા સાથે રાજગઢમાં ગયો. ત્યાં મંગળ ઉતારણા અનુભવી, દરેક મંદિરે દર્શન કરવા નીકળ્યો. શક્રાવતારથી માંડીને અનુક્રમે આખા શહેરના મંદિરનાં દર્શન કર્યાં. ફરી રાજગઢમાં આવી હાથણી ઉપરથી ઉતર્યો. બેઠકમાં જઈ પલંગ ઉપર બેઠો. પાસેના પાટલા ઉપર બેસી દાતણ કર્યું, અને તસ્તોલામાં કોગળા કરી નાંખ્યા. સુગંધી સ્વચ્છ રૂમાલથી હાથ મોઢું લુછી નાંખ્યું.
જમવાનો અવસર થયો એટલે આહાર મંડપમાં ગયો. ત્યાં ભોજન કર્યું. ચળુ કરી પલંગ ઉપર બેસી બીડી પીધી; મેડી ઉપર દંતવલભીમાં જઈને બેઠો. થોડીવાર કેટલાક પંડિતો જોડે ચર્ચા કરી. થોડીવાર સુઈ ગયો. બે વાગ્યા પછી સભામાં જવાની તૈયારી થવા લાગી, સભામાં ગયો. દરેકના પ્રણામ સ્વીકાર્યા, દરેકના આશીર્વાદો સાંભળ્યા. અરજદારોની અરજીઓ સાંભળી. સાયંકાળે જમીને આંગણામાં મંડપ નીચે પરિચારકો સહિત બેઠો. ત્યાં મળવા આવ્યા તેમની મુલાકાત લીધી, અને પ્રસંગોપાત વાતચીત કરી. વખત થયો એટલે અંતઃપુર તરફ રવાના થયો.