________________
લોહી ટપકતું. ચારે તરફ ગળે અને શરીરે સર્પો વીંટાયા હતા. તેની જીભ મોઢામાંથી બહાર નીકળીને નાકમાંનો મેલ કે આજુબાજુ ચોટેલ માંસ ચાટતી હતી. કાંખમાં મંત્ર સાધનમાં ચુકેલ સાધકનાં મડદામાંથી કાપી કાપીને કંઈ ખાતો અને રૂધિરની ધાર તેના સૂપડા જેવા પગના નખમાં પડતી (એટલે મકાન બગડવાની બહુ ભીતિ નહોતી).
તેના દાંત ઘણા જ લાંબા અને બહાર આવેલા મેલથી પીળા અને લોહીથી મિશ્રિત હતા. મોટા નાકનાં (ઘાણા) છિદ્રોમાં સર્પો દર જાણીને પેસતા અને પાછા નીકળતા. તેની આંખો અંગારા જેવી લાલચોળ અને બિહામણી હતી. મસ્તક ઉપર વાળ પીંગળા હતા તે જાણે દાવાનળ સળગતો ન હોય ! એના દાંતમાં હાડકાના કકડા ભરાઈ ગયાથી પુષ્કળ બીજા દાંત ત્રિભુવનની વસ્તુઓ ખાઈ ભુખ શાંત કરવા વધાર્યા હોય તેમ જણાતું. તેના ગળામાં ઘુંટણ સુધી મનુષ્યોની ખોપરીની માળા લટકતી હતી. એ ભયંકર વેતાળને ચરણથી માંડીને મસ્તક સુધી એક દૃષ્ટિપાતથી જોઈ લીધો ને જરા હસી કહ્યું -
હે “મહાત્મન્ ! ત્રિભુવનને ભય ઉત્પન્ન કરનાર તમારું આ વિચિત્ર હાસ્ય સાંભળીને મને બહુ નવાઈ લાગે છે. કહો તો ખરા કે આમ અયોગ્ય રીતે કેમ હસો છો ?''
વેતાલ–“નરવર ! તારી વિચિત્ર પ્રવૃત્તિ જોઈ હસું છું. બીજું કંઈ કારણ નથી. એવો નિયમ છે કે–પ્રથમ નોકરોને સંતોષ્યા પછી રાજા પાસે જવાથી ફરીયાદી પોતાના પક્ષમાં ફેંસલો-લાભ મેળવી શકે છે. આવી રીતે પ્રથમ સ્વામીઓનો - વકવર્ગ હાથ કરવાની જરૂર પડે છે, જગતમાં આવો વ્યવહાર